ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): કેપ્સાઈઝ, પનામેક્સ અને સુપ્રામેક્સ માલવાહક જહાજોના નૂરનો બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ સતત સાતમાં સપ્તાહે અઠવાડિક ધોરણે વધ્યો હતો. ગત એકજ સપ્તાહમાં આ ઇન્ડેક્સ ૮.૩ ટકા ઉછળી ઓક્ટોબર ૨૦૧૯ પછીની નવી ઉંચાઈએ ૧૯૫૬ પોઈન્ટ સોમવારે મુકાયો હતો. ૧૭ ઓક્ટોબર પછી આ પહેલી એવી ઘટના છે, જેમાં જહાજી નુર સતત ૨૬મા ટ્રેડીંગ સત્રમાં વધ્યા હોય.

વૈશ્વિક અર્થતંત્રોમાં વેપારનું વાસ્તવિક ચિત્ર અને એક દેશમાંથી બીજા દેશમાં કાચામાલોના વાહનનો ખર્ચ કેટલો આવે છે, તેનો માપ દર્શાવવાનાં ઇન્ડીકેટર તરીકે બાલ્ટિક ડ્રાય ઇન્ડેકસને ગણતરીમાં લેવામાં આવે છે. બીડીઆઈ એ ડ્રાય બલ્ક શીપીંગનાં ખર્ચાનું અનુમાન દર્શાવતો કમ્પોઝીટ ઇન્ડેક્સ તો છે જ સાથો સાથ જનરલ શીપીંગ બજારની વાસ્તવિક હાલતનું પણ નિદર્શન કરે છે.

ખાસ કરીને ચીનમાં કોરોના વાયરસની મહામારી હળવી થઇ છે અને લોકડાઉન પણ ઘટાડવામાં આવતા ઔદ્યોગિક પ્રવૃત્તિમાં વેગ આવ્યો અને આયર્ન ઓરની જબ્બર માંગ નિર્માણ થઇ છે. આ ઘટનાનું  પ્રતિબિંબ, ઇન્ડેક્સ આ વર્ષે અત્યાર સુધીમાં ૭૩.૮ ટકા ઉછળ્યો તેમાં પડ્યું છે. ઇન્ડેક્સમાં જેનું ખુબ મહત્વ છે તે કેપ્સાઈઝ જહાજોનું નુર રોજે રોજ અને સતત વધી રહ્યું છે. કેપ્સાઈઝ જહાજો સપ્ટેમ્બર ૨૦૧૯ પછીની નવી ઉંચાઈએ પહોચી ગયું છે. આ સાથે જ બાલ્ટિક કેપ્સાઈઝ ઇન્ડેક્સ શુક્રવારે ૨૧ પોઈન્ટ વધીને ૪૨૬૪ મુકાયો હતો.

કેપ્સાઈઝ ઇન્ડેક્સ આ વર્ષે ૧૨૭ ટકા વધ્યો હતો. કેપ્સાઈઝ જહાજ જે સામાન્ય રીતે ૧.૮૦ લાખ ટન અનાજ, કોલસો કે આયર્ન ઓરનું વહન કરે છે તેનું દૈનિક સરેરાશ નુર ગત સપ્તાહાંતે ૪૩૮ ડોલર વધીને ૩૧,૩૭૭ ડોલરની ઉંચાઈએ પહોચી ગયું હતું. ખાસ કરીને બ્રાઝીલ અને ઓસ્ટ્રેલીયાથી ચીન તરફ વહન થતા કેપ્સાઈઝ જહાજોનું નુર તાજેતરમાં ખુબ ઝડપથી વધ્યું છે. મોટાભાગની આયર્ન ઓર ખાણો ધમધમતી થવા સાથે કાચા લોખંડ વાહનની પ્રવૃત્તિ વધી જતા છેલ્લા એકજ મહિનામાં આ જહાજોનું નુર બમણું થઇ ગયું છે.

ગત સપ્તાહે બ્રાઝીલનાં તુબ્રાઓ અને ચીનના ક્વીન્ગ્ડાઓ પોર્ટ સુધીનું ટન દીઠ નુર, માસિક ધોરણે ૧૧.૪૩ ડોલરથી ૧૩૪.૪ ટકા વધીને ૧૯.૯૩ ડોલર થઇ ગયું હતું, જો કે સપ્તાહ દર સપ્તાહ નૂર, ટન દીઠ ૧.૭૯ ડોલર અથવા ૮.૨ ટકા ઘટ્યું હતું. આ જ પ્રકારે પશ્ચિમ ઓસ્ટ્રેલીયાના દેમ્પીયર બંદરેથી ક્વિંગડાઓ સુધીનું જુલાઈ માટેનું નુર, ટન દીઠ વધીને ૧૦.૪૨ ડોલર થયું હતું.

પનામેક્સ ઇન્ડેક્સ બે પોઈન્ટ વધીને ૧૨૫૭ થયો હતો. પનામેક્સ જહાજો જે સામાન્ય રીતે ૬૦થી ૭૦ હજાર ટન કોલસા અને અનાજનું વહન કરે છે તેનું દૈનિક સરેરાશ નુર ૧૯ ડોલર વધીને ૧૧,૩૧૭ ડોલર બોલાયું હતું. સુપ્રામેક્સ જહાજનો ઇન્ડેક્સ ૭ પોઈન્ટનાં સુધારે ૬૯૩ થયો હતો. હેન્ડીસાઈઝ ઇન્ડેક્સ પણ ૪૦૦ પોઈન્ટની ઉપર ગયો હતો, જે માર્ચ પછીની નવી ઊંચાઈ છે. દક્ષિણ અમેરિકન ઈસ્ટ કોસ્ટનાં જહાજોની અત્યારે બલ્લે બલ્લે થઇ ગઈ છે.        

(અસ્વીકાર સૂચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે)