ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): સુગર બજારમાં તેજીના ખુબ ઓળિયા લઈને બેઠેલા કોમોડીટી ફંડોએ લેણ વધારતા નાયમેકસ માર્ચ રો-સુગર વાયદો સોમવારે ૧૩.૬૩ સેન્ટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ)ની સાત મહિનાની ઉંચાઈએ જઈ બુધવારે સેન્ટ ૧૩.૫૨ મુકાયો હતો. ડીસેમ્બર વ્હાઈટ સુગર ટન દીઠ ૩૭૮ ડોલર હતી. વિશ્વના બીજા નંબરના નિકાસકાર થાઈલેન્ડનું ૨૦૨૦-૨૧નુ ઉત્પાદન ઘટશે, એવા અંદાજોએ પણ બજારને ટેકો આપ્યો હતો.

એસએન્ડપી પ્લાત્સે જાગતિક સુગર ઉત્પાદન, માંગની તુલનાએ ૧૧ લાખ ટન ઓછું આવશે, એવી આગાહી કરી હતી. બ્રાઝીલ આ વર્ષે ગતવર્ષની તુલનાએ ૯૦ લાખ ટન વધુ ૨૯૦.૬ લાખ ટન સુગર લઈને બજારમાં ઉતાર્યું છે. રાબો બેન્કે ૨૦૧૯-૨૦ની સુગર સપ્લાય બેલેન્સ ૪૩ લાખ ટન ખાધથી ઘટાડીને ૧૦ લાખ ટન કરી હતી. ઓક્ટોબરથી શરુ થતી ૨૦૨૦-૨૧ની નવી મોસમમાં વપરાશ વૃદ્ધિ ૧.૯ ટકા અંદાજીત છે, જે વર્તમાનવર્ષે કોરોના મહામારી વચ્ચે ૧.૫ ટકા ઘટી હતી. અલબત્ત, ઉત્પાદન વૃદ્ધિની શક્યતા જોતા તે અંશતઃ સરભર થઇ જશે. 

બ્રાઝીલનું ઉત્પાદન વેચાઈ જવાની તૈયારીમાં છે અને થાઈલેન્ડ છેલ્લા ૧૦ વર્ષનો સૌથી નબળો શેરડીપાક વાઢવા જઈ રહ્યો છે ત્યારે, આ વર્ષે ભારત તેના વિક્રમ ૩૭૦૦ લાખ ટન શેરડીપાક, મજુરોના અભાવે વઢવામાં મુશ્કેલી અનુભવી રહ્યો છે. તેથી ખાંડની આવક પણ ધીમી પડશે. આ બધું જોતા બજારમાં સુગર સપ્લાયમાં ટૂંકાગાળાનો ખાંચો પડવાની સંભાવના છે. 


 

 

 

 

 

ભારતમાં વિપુલ પુરાંત સ્ટોકની સ્થિતિમાં સુગર ઉત્પાદકોની આગેવાન સસ્થાએ મહારાષ્ટ્રની મિલોને ખાંડને બદલે ઇથેનોલ ઉત્પાદન વધારવાની સલાહ આપી છે. ભારતનાં બે આગેવાન શેરડી ઉત્પાદક રાજ્યો, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વાવેતર પછી, દુષ્કાળ અને તાજેતરમાં વ્યાપક વરસાદને પગલે ૨૦૧૯-૨૦નુ ખાંડ ઉત્પાદન, ગતવર્ષ કરતા ઓછું ૨૭૩ લાખ ટન અનુમાનિત છે. ભારતની વાર્ષિક માંગ ૨૫૦થી ૨૬૦ લાખ ટન કરતા અલબત્ત, ઉત્પાદન વધુ આવશે. 

સપ્ટેમ્બરમાં પૂરી થતી ૨૦૧૯-૨૦ની મોસમમાં મોટા પુરાંત સ્ટોકની સમસ્યા હળવી કરવા સરકારે ૬૦ લાખ ટન લક્ષ્યાંકિત નિકાસ અવધી વધારીને ડીસેમ્બર સુધી કરી છે. ૫૦ લાખ ટન નિકાસ લક્ષ્યાંકમાથી ૫૭ લાખ ટનના ઓર્ડરો બુક થઇ ગયા છે અને ૫૬ લાખ ટન સુગર, ખાંડ મિલોમાથી રવાના થઇ ગઈ છે. સરકારે ૬૦ લાખ ટન નિકાસ લક્ષ્યાંક પૂરો કરવા મિલોને રૂ.૬૨૬૮ કરોડની સબસીડી આપી છે. મિલોએ ઈરાન, ઇન્ડોનેશિયા, નેપાળ, શ્રીલંકા અને બાંગ્લાદેશ સાથે મહત્તમ નિકાસ સોદા કર્યા છે.

કોરોના મહામારી પહેલા એસએન્ડપી પ્લાત્સે કહ્યું હતું કે જાગતિક માંગ ૨૫ લાખ ટન ઘટવાની આગાહી અમે કરી હતી, પણ સપ્ટેમ્બર અંતે આ આંકડો વધુ મોટો આવશે. ૨૦૧૯-૨૦માં પણ થાઈલેન્ડનું સુગર ઉત્પાદન ઓછું આવ્યું હતું, પરિણામે ટૂંકાગાળામાં સુગરના ભાવ સારા એવા વધી આવ્યા હતા. ઓક્ટોબર નાયમેકસ વાયદો કટમાં જવા સાથે મોટી ડીલીવરી ઉપાડવામાં આવશે, તેના પર બજારની નજર મંડાયેલી છે. ૨૪ સપ્ટેમ્બરે પાકતા ઓકટોબર વાયદામાં ૭૭,૬૧૦ લોટના ઓળિયા ઉભા હતા.

(અસ્વીકાર સૂચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)