મેરાન્યૂઝ નેટવર્ક.તેલંગાણાઃ પૂર્વી લદ્દાખમાં બોર્ડર પર ગલવાં ઘાટી પર ચીની સૈનિકો સાથે થયેલી અથડામણમાં ભારતના અંદાજીત 20 સૈનિકો શહીદ થઈ ગયા છે. ત્યાં જ ભારતીય સુત્રો મુજબ એલેસી પર થયેલી અથડામણમાં ચીનના 40થી વધુ સૈનિકો માર્યા ગયા છે અથવા ગંભીર રીતે ઘાયલ થયા છે. શહીદ થનારા ભારતીય સૈનિકોમાં એક હતા તેલંગાણાથી અહીં ફરજ નિભાવનારા કર્નલ સંતોષ બાબુ.

આ હિંસક અથડામણના એક દિવસ પહેલા કર્નલ સંતોષ બાબુની પોતાની માતા સાથે ફોન પર વાતચિત થઈ હતી. તેમની માતાએ પોતાના એકના એક દિકરા સાથે અંતિમવાર થયેલા ફોન કોલને યાદ કરતાં તેમણે કહ્યું કે, કર્નલ સંતોષ બાબુ બોર્ડર પર ચાલી રહેલા તણાવથી પરેશાન હતા. કર્નલ સંતોષની હૈદરાબાદમાં ટ્રાન્સફર થવાની હતી, પરંતુ કોરોના વાયરસ અને લોકડાઉનને પગલે તેમાં મોડું થઈ રહ્યું હતું.

રવિવારે સાંજે સંતોષ બાબુએ પોતાની માતા સાથે વાત કરતાં સીમા પરના તણાવ પર ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ કહ્યું હતું કે, આ અંગે તેમની સાથે વાત નહીં કરી શકે કારણ કે અત્યંત સંવેદનશીલ મામલો છે. તેમના પિતાએ કહ્યું કે હું તેને ધ્યાન રાખવાનું કહેતો હતો.

તેમની માતાએ કહ્યું, મને ગર્વ અને દુઃખ બંને છે. મારા દિકરાએ દેશ માટે પોતાનો જીવ આપ્યો છે, પણ એક માતા તરીકે દિકરાના મૃત્યુના સમચાર ઘણા પીડા દાયક હોય છે. તે મારો એક માત્ર દિકરો હતો. પહેલા તો અમને વિસ્વાસ જ ન થયો, પણ બાદમાં ઉચ્ચ અધિકારીઓએ કહ્યું કે શું બન્યું. અમે ખુબ આઘાતમાં છીએ. અમારા દિકરાને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો છે.

સંતોષ બાબુના પિતા બેન્કમાં નોકરી કરતા હતા. તેમણે કહ્યું કે, હું ઈચ્છતો હતો કે મારો દિકરો સેનામાં શામેલ થઈને દેશની સેવા કરે, જે હું ક્યારેય ન કરી શક્યો. પણ મારા સંબંધિઓએ મારા આ વિચારનો વિરોધ કર્યો હતો.

સંતોષ બાબુ 16મી બિહાર રેજીમેન્ટમાં કમાન્ડિંગ ઓફિસર હતા. તેમની 2004માં સેનામાં ભરતી થઈ હતી અને પહેલું પોસ્ટિંગ જમ્મૂ-કશ્મીરમાં મળ્યું હતું. તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે શ્રદ્ધાંજલી આપતા કહ્યું કે કર્નલ સંતોષ બાબુએ પોતાનો જીવ દેશ માટે આપી દીધો છે. તેમના બલિદાનની તુલના કોઈ રીતે શઈ શકે નહીં. સરકાર કર્નલના પરિવારને દરેક સંભવ મદદ કરશે.