મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ પબજી અને મોમો ગેમ એક એવી લત લગાડી દેતી ગેમ છે કે તે ગેમમાં થોડો સમય પણ વ્યતિત કર્યા બાદ વ્યક્તિ તેનો આદી બની જાય છે, જમતી વખત, રાત્રે સુતા વખત, વગેરે રોજીંદી ક્રિયાઓ દરમિયાન વ્યક્તિ પોતાના ફોનમાંથી જ માંથુ બહાર ન કાઢે તેવી સ્થિતિમાં તમે અવારનવાર લોકોને જોયા હશે. આ ગેમ રમવા ઉપરાંત કમાવાના સાધન તરીકે પણ લોકો રમતા થયા છે. ગુજરાતના એક જિલ્લામાં હવે આ ગેમ્સ રમવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે અને તે જાહેરનામા અંતર્ગત જો કોઈ રમતા પકડાશે તો તેને કાયદાકીય કાર્યવાહીઓથી પસાર થવું જ પડશે.

ગુજરાતના મોટાભાગના શહેરો તેમજ નગરો બાદ હવે અરવલ્લી જિલ્લામાં પણ પબજી ગેમ અને મોમો ચેલેન્જ ઓનલાઈન ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જીલ્લા કલેક્ટર એમ.નાગરાજને બાળકોમાં અને કેટલાક અંશે પુખ્તવયના લોકોમાં પણ PUBG game તથા MOMO challengeના હિંસક પ્રવૃતિનું પ્રમાણ વધતું હોવાથી અને બાળકો અને યુવાનો સતત બંને ઓનલાઈન ગેમમાં રચ્યા પચ્યા રહેતા હોવાથી ગેમ પર પ્રતિબંધ લાદવા માટે અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાં મુજબ જિલ્લામાં કલમ 144 લાગુ કરવાની સાથે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 37(3) લાગુ કરીને જે લોકો જાહેરમાં પબજી ગેમ રમશે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અરવલ્લી જિલ્લાના વિસ્તારમાં જાહેર સલામતી અને સુરક્ષાને લક્ષમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે હેતુથી કલેક્ટર દ્વારા પબજી ગેમ અને મોમો ચેલેન્જ પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. 

અરવલ્લી જિલ્લાના કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાં અનુસાર પબજી ગેમ અથવા તો મોમો ચેલેન્જ જેવી પ્રવૃતિમાં ભાગ લેનાર અથવા તો આ પ્રકારની પ્રવૃતિ કરનાર સામે પોલીસ સ્ટેશનમાં મોખિક કે લેખિત જાણ કરવાની ફરજ કરવામાં આવી છે. આ હુકમનો ભંગ કરનારની સામે પોલીસ અધિનિયમની કલમ 135(3) મુજબ ફોજદારી અધિનિયમ 1860ના ને કલમ 188 હેઠળ શિક્ષાને પાત્ર છે. જાહેરનામું તો બહાર પાડ્યુ પરંતુ તેનો અમલ કેવી રીતે થશે તેની કોઇ જ માહિતી નથી. કેટલાય જાહેરનામાં બહાર પાડેલા છે તેનો અમલ કરવામાં ઘણી આડસો આવતી હોય છે. પાણીના પાઉચ, ગુટખા, મોબાઇલ પર રમાતો ક્રિકેટની મેચ પરનો સટ્ટો અને સૌથી વધુ દારૂ અને જુગાર પર તો પ્રતિબંધ છે જ તો પણ તેનો સંપુર્ણ અમલ થયો નથી અને આ ગેમ રમાવા પર પ્રતિબંધથી કોઇ ફરક પડે છે કે કેમ તે આવનાર દિવસોમાં ખબર પડશે પરંતુ જેમ અંગ્રેજીમાં કેહવત છે કે ‘forbidden fruit taste sweeter’ એટલે કે પ્રતિબંધિત વસ્તુ કરવાની કેટલાક લોકોને મજા આવે છે. હવે જે લોકો નથી જણાતા કે રમત શું છે કેવી રીતે રમાય છે તે બધાને જાણવાની ઉત્સુક્તા વધશે. કેટલાક અનુભવી અને બુદ્વિજીવી લોકોના મત મુજબ પ્રતિબંધથી આ ગેમને વધારે પબ્લીસિટી મળશે. કોઇ વ્યક્તિ કે બાળક કોઇ ખુણામાં બેસી આ ગેમ રમતો હશે તો તેને ડીટેક્ટ કરવા માટે કોઇ સોફટવેર કે કોઇ મશીનરી વિકસાવી નથી ત્યારે પ્રતિબંધથી ગેમને પબ્લીસિટી મળશે તેવું હાલતો લાગી રહ્યું છે.