મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : આગામી તા. 28 ઓગષ્ટનાં રોજ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (રાજકોટ ડેરી)ની ચૂંટણી યોજાનાર છે. જો કે તે પહેલાં જ તમામ 13 બેઠકો બિનહરીફ થવાનો દાવો ખેડૂત નેતા અને કેબિનેટમંત્રી જયેશ રાદડિયાએ કર્યો છે. ત્યારે ચૂંટણીમાં ગેરરીતિ આચરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે કિસાન સંઘ મેદાને આવ્યું છે. અને જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી તાત્કાલિક યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે.

ભારતીય કિસાન સંઘનાં પ્રમુખ દિલીપ સખીયાએ આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખરેખર તો ચૂંટણી બિનહરીફ થવી એ લોકશાહીનું ખૂન છે. ત્યારે કેબિનેટ મંત્રીએ ચૂંટણીને બિનહરીફ કરવાને બદલે ન્યાયિક પ્રક્રિયાથી વધુમાં વધુ ઉમેદવાર ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવે તેના પર ધ્યાન આપવું જોઈએ. આ સાથે જ વાંકાનેરનાં ધારાસભ્ય પીરજાદા પોતાના ઉમેદવારોને ધમકાવતા હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે.

આ સાથે દિલીપ સખીયાએ રાજકોટ ડેરીનાં વર્તમાન ચેરમેન ગોવિંદ રાણપરિયા પર પણ ગંભીર આરોપો લગાવ્યા હતા. અને કહ્યું હતું કે, છેલ્લા 18 વર્ષથી તેઓ એકચક્રી શાસન ચલાવી રહ્યા છે. આ સમય દરમિયાન રાજકોટ ડેરી સહિત ખેડૂતોને પણ ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. કોઈપણ રીતે સત્તામાં ટકી રહેવા માટે આ લોકો સામ-દામ અને દંડનો પણ ઉપયોગ કરે છે. અને ઓછામાં ઓછા ઉમેદવારો જ આ ચૂંટણી માટે ફોર્મ ભરે તેવા પ્રયાસો કરી રહ્યા છે.