મેરાન્યૂઝ નેટવર્ગક.અમદાવાદઃ આપણે ત્યાં કામ કરવા કરતા દેખાડો વધુ કરવાનું સનદી અધિકારીઓને ફાવે છે, વાયુના પ્રકોપને ખાળવા માટે અમદાવાદ ફાયર બ્રિગેડની બે ટીમોને પોરબંદર મોકલવામાં આવી હતી, પરંતુ વાયુએ દિશા બદલતા તમામ જિલ્લામાં ગયેલી એનડીઆરએફ અને સ્ટેટ રિર્ઝવ પોલીસની ટીમોને પોતાના મુળ સ્થાને પરત મોકલી દેવામાં આવી છે. પરંતુ પોરબંદર કલેકટરની આડોડાઈને કારણે તા 12મી જુનના રોજ પોરબંદર ગયેલી ટીમો હજી ત્યાં જ છે. જ્યારે ફાયર બ્રિગેડના અધિકારીઓએ અમદાવાદ પરત જવાની વાત કરી તો પોરબંદર કલેકટરે પોતાની સત્તા બતાડતા કહ્યું મારી પાસે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટની સત્તા છે. જો પોરબંદર છોડ્યું તો એરેસ્ટ કરી લઈશ.

વાયુની અસર દરિયા સાથે જોડાયેલા જિલ્લાઓમાં વ્યાપક થવાની હોવાને કારણે રાજ્ય સરકારે વિવિધ વિભાગો સાથે સંકલન કરી પ્રભાવીત થાય તેવા જિલ્લામાં એનડીઆરએફ, સ્ટેટ રિર્ઝવ પોલીસ ફોર્સ અને ફાયર બ્રિગેડની ટીમો તૈનાત કરી હતી. જેમાં અમદાવાદ વાયુની અસરથી બહાર હોવાને કારણે અમદાવાદ ફાયર બ્રીગેડની બે ટીમોના 14 સભ્યો અને બે વાહનો સાથે તેમને પોરબંદર રવાના કરવામાં આવ્યા હતા. પોરબંદર પહોંચેલી ટીમોએ કલેકટરના તાબામાં રહેવાનું હતું અને તેમના આદેશ પ્રમાણે કામ કરવાનું હતું. પોરબંદર પહોંચી અમદાવાદની બે ટીમો તા 12થી 14 દરમિયાન જ્યાં પણ રેસ્કયુ કોલ આવ્યા હતા અથવા જ્યાં વૃક્ષો ધરાશય થયા હતા. તેમાં મદદ કરી હતી.

તા 14મી જુનના રોજ સબ સલામત હોવાનો આદેશ મળતા પોરબંદરની મદદે આવેલી વિવિધ એજન્સીઓની ટીમોને તેમના મુળ સ્થાને પરત જવાનો આદેશ મળ્યો હતો. એટલે એનડીઆરએફ અને પોલીસ પાછી ફરી પરંતુ પોરબંદર કલેટકટરના તાબામાં રહેલી અમદાવાદની બે ટીમોએ જ્યારે અમદાવાદ પરત જવાની વાત કરતા કલેકટર તડુકી ઉઠયા હતા અને તેમણે હું આદેશ આપુ નહીં ત્યાં સુધી પોરબંદર  છોડવાનું નથી. ફાયરના અધિકારીઓએ જ્યારે વિનંતી કરી કે હવે સંકટ ટળી ગયું છે અને અમારી હવે કોઈ કામગીરી બાકી નથી ત્યારે કલેકટરે કહ્યું મારી પાસે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટના પાવર છે, તમે મને પુછ્યા વગર પોરબંદર છોડયું તો એરેસ્ટ કરી લઈશ. આમ આઈએએસ અધિકારીના આવા પ્રકારના વર્તનથી ફાયરના અધિકારીઓ ડઘાઈ ગયા અને તેમણે આ મામલે અમદાવાદ ફાયર બ્રીગેડને જાણ કરતા હવે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા  જરૂરી સૂચના આપવામાં આવશે તેની રાહ જોઈ ટીમ બેઠી છે.