જયેશ શાહ (મેરાન્યુઝ.કચ્છ) : કોરોના કાળમાં પરખાઈ ગયેલી ગુજરાતની ભાજપ સરકારનો 'નિર્ણાયક' વહીવટ પણ જોવા લાયક છે. રાજ્યમાં ત્રણ જિલ્લા એવા છે જયાં બે મહિનાથી છ મહિના સુધી કલેક્ટર અને ડીડીઓ જેવી કી પોસ્ટ ખાલી છે. માત્ર જિલ્લા કક્ષાએ જ નહીં પરંતુ ગાંધીનગર સચિવાલયમાં પણ સચિવ લેવલે પોસ્ટ ખાલી છે. મહત્વપૂર્ણ જગ્યાઓ ખાલી રહેવાને કારણે પણ કોરોના જેવી મહામારીમાં સંકલનથી માંડીને વહીવટમાં અભાવ સાફ દેખાઈ આવે છે.

પંચમહાલ જિલ્લામાં છ મહિનાથી ડીડીઓની પોસ્ટ ખાલી છે. તેવી રીતે સોમનાથમાં પણ ફેબ્રુઆરીથી જિલ્લા વિકાસ અધિકારીની પોસ્ટિંગ કરવામાં આવી નથી. સાબરકાંઠાના કલેક્ટર નિવૃત થયા પછી અહીં પણ જાન્યુઆરીથી આ જગ્યા ખાલી છે. જિલ્લા લેવલે કલેક્ટર અને ડીડીઓની ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. સામાન્ય વહીવટથી માંડીને મુસીબતની ઘડીમાં કલેક્ટર અને ડીડીઓ તંત્ર અને સરકાર વચ્ચે સંકલન કરીને લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરતા હોય છે. તેવામાં આ જિલ્લામાં લોકોને કેવી તકલીફ પડી રહી હશે તેની કલ્પના જ કરવી રહી.


 

 

 

 

 

માત્ર જિલ્લા કક્ષાએ જ નહીં પરંતુ સચિવાલયમાં પણ આવી જ હાલત છે. ગૃહ વિભાગનાં અધિક મુખ્ય સચિવ સંગીતસિંગનાં રિટાયરમેન્ટ પછી આ જગ્યા ચાર્જ ઉપર છે. એવી રીતે સીએમઓમાં મનોજ દાસનાં આવ્યા બાદ છેલ્લા સાડા ત્રણ વર્ષથી ઉદ્યોગ વિભાગ પણ ખાલી છે. કમલ દયાનીની ટ્રાન્સફર બાદ પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટની પણ આવી જ હાલત છે. આમ પારદર્શી અને નિર્ણાયક સરકારની બાંગ પોકારતી ગુજરાત સરકાર કાં તો ખાલી જગ્યા પૂરતી નથી અથવા તો પોસ્ટ ચાર્જ ઉપર ચલાવે છે.

એસીબી ચાર્જ અમદાવાદ પોલીસ કમિશ્નરને માથે

આઈએએસ ઉપરાંત આઇપીએસ લેવલે પણ કઈંક આવા જ હાલ છે. આજે નિવૃત્ત થયેલા એસીબીનાં વડા કેશવ કુમારનો ચાર્જ અમદાવાદના પોલીસ વડા કમિશનર સંજય શ્રીવાસ્તવને આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.