ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ ): આ વર્ષે કોમોડિટીબજારમાં સૌથી વધુ બાવન ટકા જેવુ ઊંચું વળતર આપનારમાં કોફીનો પણ સમાવેશ થાય છે. અરેબિકા કોફીમાં છેલ્લા પાંચમાંથી ચાર મહિનાની એકધારી ચાલેલી તેજી પછી હવે ભાવ ઓવર-પ્રાઈસ્ડ થઈ ગયા છે, તેથી નવા રોકાણકારોએ પ્રીમિયમ કોફી બિન્સમાં જોખમી સોદા કરવાથી દૂર રહેવું જોઈએ. આપણાં ભોજનમાં કોફી અને ખાંડ મહત્વના સ્થાન ધરાવે છે, આ બંને સોફ્ટ કોમોડિટીએ આ વર્ષે સૌથી ઊંચા ભાવ પ્રાપ્ત કર્યા છે. બ્રાઝિલ એ વિશ્વને કાચા કૃષિ કોમોડિટી અનાજો, ખાસ કરીને અરેબિકા કોફી બીન્સ સપ્લાય કરવામાં અગ્રસ્થાન ધરાવે છે.

ગુરુવારે ડિસેમ્બર અરેબિકા કોફી અમેરિકન વાયદો ૧.૯૭ ડોલર પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) બોલાયો હતો, જુલાઇ ૨૦૨૧માં ભાવ ૭ વર્ષની ઊંચાઈએ ૨.૧૫ ડોલર મુકાયા હતા. ઇન્ટરકોંટિનેંટલ એક્સ્ચેન્જ (આઇસીઇ) લંડન નવેમ્બર કોફી વાયદો પણ જૂન ૨૦૨૧માં ૨.૧૫૨૦ ડોલર ક્વોટ થયો હતો, જે ઓકટોબર ૨૦૧૪ પછીની નવી ઊંચાઈ હતી. કોફીનો વેપાર ૨૦૦૬થી ૨૦૧૯ સુધી લગભગ ૧ ડોલર પ્રતિ પાઉન્ડ કરતાં નીચા ભાવએ ચાલતો હતો. ડેટા કહે છે કે ડિસેમ્બર ૨૦૦૮માં ભાવ ૧.૦૧૭૦ ડોલરના તળિયેથી શરૂ થયેલી તેજી મે ૨૦૧૧ સુધીમાં ૩૦૦ ટકાના ઉછાળે ૩.૦૬૨૫ ડોલરે પહોંચી ગઈ. અત્યારે બ્રાઝિલમાં કમોસમી બરફના કરા પડી રહ્યા છે, ગયા મહિને પાકને ભારે નુકશાન થયું હતું.     

Advertisement


 

 

 

 

 

બ્રાઝિલની આવી સ્થિતિને કારણે જુલાઇ અને ઓગસ્ટમાં કોફી વાયદો નવાનાવા ઊંચા ભાવ જોવા લાગ્યો હતો. રોસ્ટેડ કોફી ઉત્પાદકોએ પ્રીમિયમવાળી અરેબિકા કોફીમાં પ્રમાણમાં સસ્તી રોબસ્તા કોફીનું મિશ્રણ કરવા માંગ વધારી દીધી. અમેરિકામાં ઈદા વાવાઝોડાએ ખાનાખરાબી કરતાં સપ્લાય ચેઇનમાં બાધા ઊભી થઈ, માથે બ્રાઝિલમાં કમોસમી બરફના કરાનો વરસાદ, પરિણામે વિશ્વના આ મોટા સપ્લાયર દેશમાંથી આવકો ઘટી અને ભાવો માસ દર માસ કોફીના ભાવ વધતાં ગયા.

બ્રાઝીલના માતો-ગ્રાસો, સાથે પારના અને સાઓ-પાઓલો વિસ્તારમાં ગત સાપ્તાહાંતે પોરો ખાધો પણ સૌથી મોટા ઉત્પાદક રાજ્ય મિનાસ વિસ્તારમાં જુદી સ્થિતિ હતી. રોબસ્તા કોફીના સૌથી મોટા ઉત્પાદક દેશ વિયેટનામાં માલવાહક જહાજોની ઉપલબ્ધિ ઘટતા, ગુરુવારે આઇસીઇ લંડન રોબસ્તા કોફી નવેમ્બર વાયદો ચાર વર્ષની નવી ઊંચાઇએ ટન દીઠ ૨,૧૩૦ ડોલર બોલાયો. કોફી ટ્રેડરો કહે છે કે વિયેટનામાં કોરોના વાયરસે ઉપાડો લીધો હોવાથી, સરકારી વ્યવસ્થા મહામારી અટકાવવા રસી આપવાની પ્રક્રિયામાં પડી હોઇ, નવેમ્બર આસપાસ લણણીના સમયે ઝાડ પરથી કોફી ઉતારવાની પ્રક્રિયા ધીમી પડી જવાનું જોખમ ઊભું થયું છે. સાથે જહાજી બજારમાં માલવાહક જહાજો નહીં મળતા બજારમાં ચિંતા વધી ગઇ છે.

Advertisement


 

 

 

 

 

૨૦૨૦ના પ્રથમ અર્ધવાર્ષિકમાં કોમોડિટી બજારમાં ભાવ તળિયું બનાવીને તેજીની સાયકલમાં પ્રવેશી હતી, ત્યારે જ કોફીબજારે તેજીની આગેવાની લઈ લીધી હતી. એક કોમોડિટીમાં કરેક્શન જોવા મળે ત્યાં બીજી કોમોડિટીએ નવા ઊંચા ભાવ બનાવવાની સ્પર્ધા આરંભી દીધી હતી. આટલું અધૂરું હોય તેમ વૈશ્વિક સરકારોએ રાહત પેકેજોની લહાણી શરૂ કરી અને નાણાકીય સાયકલને અસ્તવ્યસ્ત કરી નાખતા, ફુગાવાએ માઝા મૂકી. જેણે ભાવને ઊંચે જવાનો નવો જુસ્સો પ્રદાન કર્યો. આખરે કહેવાનો મતલબ એ છે કે, જીવન આવશ્યક તમામ ચીજોની તેજીની સાયકલને વધુ તેજ દોડાવવા તમામ સ્તરેથી પ્રાણવાયુ મળ્યો અને બજારમાં હજુ પણ તેજીનો ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)