મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે અનેક રાજ્યમાં સેન્ચુરી વાગી ગઈ છે. પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવથી કંટાડીને લોકો સી.એન.જી અને ઇલેક્ટ્રીક વાહનો તરફ વળી રહ્યા છે. ત્યારે પેટ્રોલ ડીઝલનાં ભાવ વધારા બાદ લોકોને વધુ એક ઝટકો લાગ્યો છે. હવે સીએનજીનાં ભાવમાં પણ પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 

અદાણી બાદ હવે ગુજરાત ગેસે પણ 24 ઓગષ્ટથી સી.એન.જીના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરી દીધો છે. ગુજરાત ગેસ દ્વારા ઈન્ડસ્ટ્રીયલ ગેસ મોંઘો કરવામાં આવ્યા બાદ હવે વાહનોમાં વપરાતા સીએનજીમાં ભાવ વધારો કર્યો છે. ત્યારે રાજ્યમાં મોટા ભાગની રિક્ષાઓના પૈડાં સી.એન.જીથી ફરતા હોય છે. જેથી હવે રિક્ષાના ભાડા વધે તો નવાઈની વાત નહીં રહે. ત્યારે બીજી બાજુ  સી.એન.જીના ભાવ વધતાં રાજ્યમાં સાત લાખ વાહન ચાલકોના બજેટ પર સીધી અસર પડશે. 

અદાણી ટોટલ ગેસ લિમિટેડે ગત ફેબ્રુઆરી મહિનામાં કેમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને પાઈપ્ડ નેચરલ ગેસના ભાવમાં વધારો કર્યો હતો. જેથી અદાણીના સી.એન.જીનો ભાવ 55.30 રૂપિયા પ્રતિ કિલોએ છે. ત્યારે આજે ગુજરાત ગેસએ આજે ભાવ વધારો કરતાં 54.45 રૂપિયા થયો છે. ત્યારે સી.એન.જીમાં ભાવ વધારો થતાં સામન્ય જનતાનું બજેટ ખોરવાઈ શકે છે.