દેવલ જાદવ (મેરાન્યૂઝ.ગાંધીનગર): સોમવારે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ હવે નવા મંત્રી મંડળની લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 16 સપ્ટેમ્બરના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં નવા મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. જ્યારે નવા મુખ્યમંત્રી શપથ લે છે ત્યારે જુના મંત્રી મંડળનું આપોઆપ જ વિસ્તરણ થઈ જય છે. આમ નવા મુખ્યમંત્રી પોતાના નવા મંત્રી મંડળની રચના કરે છે.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ જેવી રીતે નવા મુખ્યમંત્રી કોણ બનશે તેવી અટકળો શરૂ થઈ ગઈ હતી. તેવી રીતે હવે મંત્રી મંડળની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. સોમવારે મુખ્યમંત્રીની શપથવિધિ બાદ દરેક ધારાસભ્યો નવા મુખ્યમંત્રી અને દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નજરમાં આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મુખ્યમંત્રી શપથગ્રહણ સમારોહ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી એની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનો મિટિંગનો દોર શરૂ થઈ ગયો છે. પણ જેવી રીતે મુખ્યમંત્રીમાં ચર્ચિત નામો સિવાયનું નામ બહાર આવ્યું એવી રીતે જ મંત્રીમંડળમાં પણ નવા નામો બહાર આવે તેવી શક્યતો છે.
નવું મંત્રી મંડળ જુના મંત્રીમંડળ કરતા ઘણું અલગ હોય તેવી પણ શક્યતાઓ છે. મંત્રીમંડળમાં મંત્રીઓની નિમણૂંક રાજનીતિક સમિકારણોને આધારે અને જાતિના આધારે થઈ શકે છે. જુના મંત્રીમંડળમાં માત્ર એક જ મહિલા મંત્રી હતા જેના સ્થાને હવે તેનાથી વધારે મહિલાઓની નિમણૂંક થઈ શકે છે. આ વખતે મંત્રીમંડળમાં નવા અને યુવાન ચહેરાઓ ઉમેરાય તેવી શક્યતાઓ વધારે છે. પરંતુ હવે જોવું એ રહ્યું કે 16 તરીકે કેટલા અને ક્યાં મંત્રીઓ શપથ ગ્રહણ કરશે?