પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): પહેલી દ્રષ્ટીએ આ હેડીંગ જરા રમુજ પ્રેરીત લાગે, પણ રમુજ નથી. ખરેખર આ વાસ્તવીકતા છે. વિજય રૂપાણીના રાજીનામા પછી રાજકીય વિશ્લેષકો અને પોલીટીકલ રિપોર્ટીંગ કરનાર રિપોર્ટર હવે નવો સુકાની કોણ તેના અનુમાન કરી રહ્યા છે. લાંબા સમય સુધી પોલીટીકલ રિપોર્ટીંગ કરવાના કારણે રાજકારણીઓ સાથે નજીકતા વધે છે, જેના પરિણામ સ્વરૂપ પોલીટીકલ રિપોર્ટર જ્યારે પણ ઘટનાની સમીક્ષા કરે છે ત્યારે તેમાં તેઓ તેમનો વ્યકિતગત ગમો-અણગમો પણ ઉમેરાઈ જાય છે. એક સમય હતો જ્યારે કોઈ પણ રાજનેતા અને મુખ્યમંત્રીની કામગીરીનું મુલ્યાંકન અખબારમાં આવતા સમાચારને આધારે થતુ હતું પણ એક લાંબો સમય ગાળો પસાર થઈ ગયો કે મુખ્યમંત્રીને હટાવવામાં અને નવા મુખ્યમંત્રીને મુકવામાં મીડિયાની કોઈ ભૂમિકા રહી નથી.

Advertisement


 

 

 

 

 

આમ સ્થિતિ બદલાઈ હોવા છતાં વ્યવસાયના ભાગ રૂપે પત્રકારો પોતાની રાજકીય સમજ અને સ્ત્રોત દ્વારા મળતી માહિતીને આધારે વાચકો અને દર્શકો સુધી પોતાની માહિતી અને અનુમાનો પહોંચાડવાના હોય છે, પણ છેલ્લાં અઢી દાયકાથી નરેન્દ્ર મોદીની કામ કરવાની પધ્ધતીનો અભ્યાસ કરવામાં આવે તો નરેન્દ મોદીને અનઅપેક્ષીત જાહેરાત કરવાની આદત રહી છે, બીજા શબ્દોમાં કહીએ તો માધ્યમોના સમાચાર ખોટા પાડવાની મજા આવે છે. નરેન્દ્ર મોદીના નજીકના પણ નરેન્દ્ર મોદીના આ સ્વભાવથી સારી રીતે વાકેફ છે તેના કારણે આવી સ્થિતિ જ્યારે જ્યારે પણ નિર્માણ થઈ ત્યારે મીડિયાના હકારાત્મક વલણને કારણે નુકશાન થાય નહીં તેવી તકેદારી રાખતા નેતાઓ આવે વખતે પોતાની જાતને મીડિયાથી દુર રાખી હતી.

ફરી એક વખત આવ્યો છે કે ગુજરાતનો નવો સુકાની કોણ છે તે અંગે માધ્યમોમાં ચર્ચા શરૂ થઈ છે પરંતુ નરેન્દ્ર મોદી માધ્યમોની ચર્ચાને આધારે પોતાનો નિર્ણય કરતા નથી અને નિર્ણય બદલતા નથી, પરંતુ જેમના મનમાં કયાંકને કયાંક મુખ્યમંત્રી થવાની ઈચ્છા છે તેમના મનમાં ડર સતાવી રહ્યો છે કે ભુલે ચુકે માધ્યમો તેમના નામનો ઉલ્લેખ કરશે તો આપણું પત્તુ કપાઈ જશે.