પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.ભાવનગર): કોરોનાની ગંભીરતા જેના ઘરમાં કોરોના પોઝિટિવ કોઈ દર્દી આવે અથવા કોરોનાને કારણે મૃત્યુ થાય તેના વગર કોઈને સમજાતી નથી, પણ આપણા રાજકારણીઓને જરા પણ પ્રમાણભાન નથી કે તેમની રાજકીય ઘેલછા તેમના સહિત અનેકની જીંદગીને જોખમમાં મુકી રહી છે. એક તરફ વિજય રુપાણી સરકાર કોરોનાને નાથવા રાત દિવસ મહેનત કરી રહી છે ત્યારે રુપાણી સરકારના મંત્રીઓ અને નેતાઓ તેમના પ્રયત્નો પર પાણી ફેરવી રહ્યા છે. 

ભારતીય જળ સેનાનું વિરાટ જહાજ આઈએનએસ વિરાટ તેનું આયુષ્ય પુરુ કરતાં ભંગાવવા માટે ભાવનગર પોર્ટ પર આવ્યા પછી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત રાજ્યના મંત્રી અને સાંસદોએ આ મામલે પણ રાજકીય સ્કોર સેટલ કરવા માટે દોટ લગાવી. તેમને પોતાના જીવનની તો ચિંતા નથી પણ તેમની સાથે રહેલા લોકોની પણ તેઓ પરવાહ કરતાં નથી.

જ્યાં સુધી વેક્સિનની શોધ થાય નહીં ત્યાં સુધી માસ્ક જ વેક્સિન છે અને કોરોનાથી સોશિયલ ડિસ્ટન્સિંગ બચાવી શકે તેમ છે તેવી પ્રાથમિક સમજ પણ આપણા નેતાઓમાં નથી. સોમવારના રોજ ભાવનગર પોર્ટ પર આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત રાજ્ય અને મંત્રીઓ અને સાંસદો તેમજ સ્થાનિક નેતાઓ વગર માસ્કે પોર્ટ પર જોવા મળ્યા હતા. આ અત્યંત ઘાતક સ્થિતિ હતી. દરેક વખતે ઈશ્વર મદદ કરશે તેવી અપેક્ષાએ આપણે બેદરકારી દાખવવી, તો ઈશ્વરની મદદ કરવાની પણ મર્યાદા હોય છે.

મંગળવારના રોજ જે દહેશત હતી તેવું જ થયું. વગર માસ્કે ટોળામાં ફરતા આપણા નેતાઓએ ફોટો સેશન પણ કરાવ્યું હતું. જે પૈકી અમરેલીના સાંસદ નારણ કાછડિયા કોરોના પોઝિટિવ હોવાનું ખુદ તેમણે જ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી, અમારી પાસે જે તસવીરો છે તેમાં વગર માસ્કે નારણ કાછડિયા સહિત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ તેમની બાજુમાં જોવા મળે છે. આમ નારણ કાછડિયાએ કેટલા લોકોને સંક્રમણ ફેલાવ્યું તેનો અંદાજ મેળવવો મુશ્કેલ છે. વિજય રુપાણીને એટલી જ વિનંતી કે રાજકારણ તો ચાલતું રહેશે, પણ તેના માટે ગુજરાતીનું જીવવું અનિવાર્યા છે. તમે જે ગુજરાતને પ્રેમ કરો છો તેના માટે પહેલા તમારે તમારા નેતાઓને સમજાવવા પડશે. જ્યારે મુખ્યમંત્રી વિજય રુપાણી સહિતના મોટાભાગના મંત્રીઓ વર્ચ્યૂઅલ બેઠકો કરી રહ્યા છે ત્યારે ટોળાની અપેક્ષા રાખતા નેતાઓ પોતાને અને લોકોને મુશ્કેલીમાં મુકી રહ્યા છે.