મેરાન્યૂઝ નેટવર્ક, જૂનાગઢ:  કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાતની અનેક હોસ્પિટલો બહાર દર્દીઓની લાંબી લાઇનો લાગી હતી. જો કે હવે કોરોનાની બીજી લહેર સમાપ્તિના આરે છે ત્યારે કોરોનોની બીજી લહેર દરમિયાન દેશમાં ઓક્સિજનની કમીના કારણે કોઈ દર્દીના મોત ના થયા હોવાના કેન્દ્ર સરકારના દાવા બાદ આજે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ ફરી એકવાર દાવો કર્યો હતો કે, ગુજરાતમાં પણ કોરોના કાળ દરમિયાન ઓક્સિજનની અછતના કારણે એકપણ દર્દીનું મોત નથી થયું. તો સાથે મુખ્યમંત્રીએ આગામી દિવસોમાં પ્રાથમિક શિક્ષણ ઓફલાઈન શરૂ કરવું કે નહીં તે અંગે પણ આગામી દિવસોમાં નિર્ણય લેવાની વાત કરી હતી.

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં હાજરી આપવા આવેલા મુખ્યમંત્રીએ દાવો કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન ઓક્સિજનની અછતના કારણે એકપણ દર્દીનું મોત નિપજ્યું નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં કોરોનાના સાડા આઠ લાખ લોકોને સારવાર આપવામા આવી જેમાંથી સવા આઠ લાખ દર્દીઓ સાજા પણ થઈ ગયા છે.

મુખ્યમંત્રીએ પ્રાથમિક શિક્ષણ ઓફલાઈન શરૂ કરવા મુદ્દે કહ્યું હતું કે, હાલ રાજ્યમાં 30 તારીખ સુધીનું જાહેરનામું અમલમાં છે. રાજ્યમાં ધોરણ 12 અને કોલેજના વર્ગો ઓફલાઈન શરૂ કરવામા આવ્યા છે. પ્રાથમિક શિક્ષણ ઓફલાઈન શરૂ કરવા અંગે સરકાર તજજ્ઞો સાથે ચર્ચા કર્યા બાદ આગામી દિવસોમાં નિર્ણય કરશે.