મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતમાં આજે મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. હાલમાં સુરતમાં કોરનાના કેસ જે પ્રકારે વધી રહ્યા છે તેની જાણકારી આપ સહુને છે. કોરોનાની સ્થિતિને પગલે ત્યાં સમીક્ષા કરીને યોગ્ય નિર્ણય સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ 100 કરોડના ખર્ચે 2 કોવીડ હોસ્પિટલ બનાવવાનું એલાન કર્યું છે. તેમણે આ સાથે સુરતમાં 100થી વધુ ધનવંતરી રથ ફેરવવાની વાત પણ કરી છે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત એક આકરી વાત પણ કરી છે.

ગુજરાતમાં કોરોનાના કેસ જે પ્રમાણે વધી રહ્યા છે તેને જોઈ એવું કહી શકાય કે કોરોના બેકાબૂ બની ગયો છે અને હવે આપણે પોતે જ તમામ દિશા નિર્દેશોનું પાલન કરી પોતાની જાતને બચાવવાની છે. કોરોનાની દવા બનાવ્યાના દાવા ઘણા થયા પણ હજુ સુધી આપના હાથમાં તેવી કોઈ દવા કે રસી પહોંચે તેવી સ્થિતિ નિર્માણ થઈ નથી. માટે સુરક્ષીત રહો અને અન્યોને પણ સુરક્ષીત રાખો જ્યાં ત્યાં નિયમોના બેફામ ભંગ કરવા તે આપણા જ માટે આવનારા સમયમાં જોખમ ઊભું કરે તેવી સ્થિતિ સર્જશે. જ્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી, મુખ્યમંત્રી અને ખુદ દેશના વડાપ્રધાન સહિતનાઓ જો આ બાબત ભાર મુકતા હોય તો તેમાં કાંઈક તો તથ્ય હશે. ખેર હવે વાત કરીએ સુરતની કારણ કે ગુજરાતમાં અમદાવાદ પછી સુરત પણ એવું શહેર બનતું જાય છે જ્યાં કેસનો ખુબ વધારો થયો હોય.

મુખ્યમંત્રીએ સુરતને 200 વેન્ટીલેટર ફાળવ્યા છે અને કહ્યું છે કે, જુન મહિનામાં અમદાવાદમાં કેસનું પ્રમાણ ઘટ્યું છે. પહેલા અમદાવાદમાં કેસ ખુબ વધતા હતા જે હવે ઓછા વધે છે. ત્યાં વિસ્તારોમાં જઈને લોકોને દવા આપી છે. સરકારને સુરતની ચિંતા છે. પહેલા દિવસથી જ આ ચિંતા હતી. ધન્વંતરી રથનો પ્રયોગ અમદાવાદમાં સફળ રહ્યો છે. સુરતની બે હોસ્પિટલમાં 100 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને તેને કોવિડ સેન્ટર બનાવી દેવાશે. 50 ટકા બેડનો ખર્ચ પણ સરકાર જ ભોગવે છે. સુરતમાં 100થી પણ વધારે ધન્વંતરી રથને 500થી વધુ સ્થળો પર ફેરવવામાં આવશે. રોજ અંદાજીત 12થી 15 હજાર દર્દીઓને સ્થળ પર જ દવા આપવામાં આવશે. કોરોનાના દર્દીને મોબાઈલની છૂટ આપી છે પણ માસ્ક વગર ન ફરવાની ખાસ અપીલ પણ મુખ્યમંત્રીએ લોકોને કરી છે.

તેમણે આ ઉપરાંત એક આકરી ભાષામાં એવું પણ કહ્યું છે કે, સંક્રમણ રોકવા માટે પાળવામાં આવતા નિયમોને નહીં પાળવામાં આવે તેવા કારખાનાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં ડાયમંડ ઉદ્યોગમાં કેસનો ઉછાળો જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે નિયમનું ઉલ્લંઘન કરતાં કારખાનાઓને બંધ કરી દેવાશે અને આગામી સમયમાં ડાયમંડ અને ટેક્સટાઈલ સેક્ટર અંગે નિર્ણય કરીશું. ફરીથી લોકડાઉન થાય તેવી વાતને પણ તેમણે રદિયો આપ્યો છે.