મેરાન્યૂઝ નેટવર્ક.કપરાડાઃ ગુજરાતની વિધાનસભાની 8 સીટ પર પેટા ચૂંટણીઓ થવા જઈ રહી છે. આગામી 3જી નવેમ્બરે થનારી આ પેટા ચૂંટણીમાં બંને પક્ષો એક બીજાને નીચે પાડી પોતે ઉપર દેખાવાના પ્રયત્નો કરી રહી છે. મતદારોને પોતાની તરફ આકર્ષીત કરવાના તમામ પેંતરા અહીં વપરાવા લાગ્યા છે. લોકો શિક્ષણ, ગુનાખોરી, રોડ રસ્તા વગેરે જેવા પોતાના પ્રશ્નો મુદ્દે શું વિચારે અને શું કરે તેના જવાબ હવે પાર્ટીઓ આપવા લાગી છે. તેવા સમયે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી પણ હવે ચૂંટણી મેદાને ઉતર્યા છે.

દરમિયાન મુખ્યમંત્રી રુપાણીએ કોંગ્રેસને આડેહાથ લીધી હતી. તેમણે આકરા શબ્દોની વર્ષા કરી મુકી હતી. આ બેઠકો પર પેટાચૂંટણી શા માટે આવી એ વિચારવા જેવું છે. કૉંગ્રેસમાં પરિવારવાદ ચાલે છે, કૉંગ્રેસ ખલાસ થઈ ગઈ છે. વલસાડમાં બાકી બધે કમળ છે, હવે કપરાડામાં 3 તારીખે કમળને મત આપી વિજય બનાવો. કપરાડાને અમે સવાયું આપીશું. ગુજરાતમાં કોંગ્રેસ તુટી રહી છે. આ પેટા ચૂંટણી કૉંગ્રેસના ધારાસભ્યોના લીધે આવી છે.

જોકે આ સભામાં રૂપાણીની હાજરીમાં રમણ પાટકરના નિવેદનોએ લોકોમાં આશ્ચર્ય ઊભું કર્યું હતું. રમણ પાટકરે કરેલા નિવેદનોમાં તેમણે કહ્યું કે, જીતુ ભાઈ પહેલાં કૉંગ્રેસમાં હતા ત્યારે લોકોને આપેલા વચનો પૂર્ણ કરવામાં મુસીબત થતી હતી. તેઓ વચનો પૂર્ણ નહોતા કરી શકતા કારણ કે પૂરતું ફંડ મળી શકતું નહોતું. તેઓ આકારણો સર ભાજપમાં જોડાયા છે. જીતુભાઈને અમે રૂપિયા ઓછા આપતા હતા કારણ કે અમારે સંગઠનમાં પણ રૂપિયા આપવાના હોય. એટલે જીતુભાઈને રૂપિયા મળતા ન્હોતા, પરંતુ હવે તેઓ ભાજપમાં આવી ગયા છે. એટલે સંગઠન પણ તેમની સાથે છે વિકાસના કામો માટે હવે તેઓ ભાજપની સાથે છે અને ભાજપ તેમની સાથે છે.

જેને પગલે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપ પૈસા આપીને ખરીદે છે. તેમણે અક્ષય પટેલના નામ સાથે કહ્યું કે, જેતે સમયે કોંગ્રેસના કરજણના ધારાસભ્યને 52 કરોડની ઓફર કરી હતી એવું તેમણે જ સ્વીકાર્યું હતું. હવે અક્ષયભાઈને 52 કરતાં વધુની ઓફર મળી હશે એટલે તેઓ ભાજપમાં ગયા હશે.