મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ કો-ઓપરેટીવ બેન્કીંગ ક્ષેત્રે અદ્યતન ટેક્નોલોજો સમનવય કરવા અંગે મુખ્યમંત્રી વિજય રુપાણીએ આજે શનિવારે અમદાવાદ ખાતે નેશનલ ક્રેડિટ એન્ડ અર્બન કો-ઓપરેટિવ બેન્કિંગ સમિટ-૨૦૧૯નો પ્રારંભ કરાવ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વ સાથે કદમ મિલાવવા કો-ઓપરેટિવ બેન્કિંગ ક્ષેત્રે પણ અદ્યતન ટેકનોલોજીના સમન્વય અને વિનિયોગની આવશ્યક્તા અનિવાર્ય ગણાવી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ખાસ કરીને સહકારી બેન્ક વિશ્વાસ અને ભરોસા પર ચાલતી હોય છે. તેવા સમયે તમામ વિગતો ડિજિટલી ઉપલબ્ધ થાય તો આપોઆપ પારદર્શિતા આવશે. આ પારદર્શિતા જ સહકારી બેન્કના વિકાસ માટેનો આધાર બની રહેશે.

મુખ્યમંત્રી અમદાવાદમાં નેશનલ ક્રેડિટ એન્ડ અર્બન કો-ઓપરેટિવ બેન્કિંગ સમિટ – ૨૦૧૯નો પ્રારંભ કરવાતા સંબોધન કરી રહ્યા હતાં. આ સમિટનું આયોજન ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ યુનિયન અને નવી દિલ્હીની કોઓપરેટિવ બેન્ક ઓફ ઇન્ડિયા તથા ધી ઇકોનોમિક ટાઇમ્સના સહયોગથી કરવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું કે, બદલતા વિશ્વમાં જ્યાં તમામ વ્યવહારો ઓનલાઈન અને ઘરે બેઠા શક્ય બન્યા છે ત્યારે ગુજરાતના સહકારી ક્ષેત્રે પણ ડિજિટાઇઝેશનનો માર્ગ અપનાવવો પડશે. નાના માણસો માટે સહકારી બેન્કો મોટી બેંક હોય છે એ ધ્યેયને પાર પાડવા તેમણે સામાન્ય માણસ પણ બેંકમાં જઈ સરળતાથી લોન મેળવી શકે તે માટેનું વ્યવસ્થાતંત્ર ગોઠવવા પર ભાર મૂક્યો હતો.

વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની ઇકોનોમી પાંચ ટ્રિલિયન ડોલરની કરવાનો જે નિર્ધાર કર્યો છે તેમાં પાયાના આર્થિક પત્થર તરીકે સરકારી ક્ષેત્રનો મહત્વપૂર્ણ ફાળો બની રહેવાનો છે. ભૂતકાળમાં સહકારી ક્ષેત્રને લૂણો લાગ્યો હતો પરંતુ તે નબળા માહોલને ગુજરાતે સફળતાથી પાર કરી સહકારી ક્ષેત્ર પરનો લોકોનો ભરોસો અકબંધ રાખ્યો હતો અને આજે ગુજરાત સહકારી ક્ષેત્રે દેશનું રોલ મોડલ છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

દુનિયામાં ટેક્નોલોજીના ઉપયોગ સાથે સાયબર એટેકનું જોખમ પણ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં આવા સાયબર એટેકને ખાળવા સાયબર પોલીસ સ્ટેશનો ઊભા કરી ડિજિટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા માટે જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે તેની વિગતો પણ મુખ્યમંત્રી એ આપી હતી.

તેમણે કહ્યું કે, ગુજરાત માટે આ સેમિનાર પાયારૂપ અને ભવિષ્યનો વિચાર કરનારો બની રહેશે. અર્બન બેન્કને અહીંથી મળનારું ટેકનોલોજી અને ડિજિટાઇઝેશનનું જ્ઞાન તેમના ભવિષ્યના વ્યાપવિસ્તાર માટે ઉપયોગી બની રહેશે.

મુખ્યમંત્રી એ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા સહકારી ક્ષેત્રના ચૂકાદાઓને સંકલિત કરીને સહકારી આગેવાન ઘનશ્યામ અમીને તૈયાર કરેલ પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું. રાષ્ટ્રીય સહકારી સંઘના ચેરમેન અને રાજ્યસભાના સભ્ય ચંદ્રપાલસિંહ યાદવે જણાવ્યું કે, ગુજરાત સહકારી ક્ષેત્રે આગળ છે અને સમગ્ર ભારત તેના પગલે ચાલે છે, મધ્યમ વર્ગના લોકોને કારોબાર ચલાવવા અને તેમની આર્થિક સ્થિતિને સુધારવા માટે સહકારી ક્ષેત્રની ખૂબ મોટી ભૂમિકા છે.

રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષ ઘનશ્યામ અમીને જણાવ્યું કે, દેશના બેન્કિંગ ક્ષેત્રમાં ખાનગી અને વિદેશી બેન્ક આવી રહી છે ત્યારે તેની સામે ટકી રહેવા સહકારથી ચાલતી સહકારી બેન્કને અદ્યતન થવું પડશે. સમયની માંગ પ્રમાણે સુધારા કરી ૧૦૦ વર્ષ જૂનું સહકારી માળખું ટકાવી રાખવાની જરૂરિયાત તેમણે વર્ણવી હતી.

રાજ્ય આયોજન પંચના અધ્યક્ષ નરહરી અમીન, કૃષિ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદ, ઇકોનોમિક ટાઇમ્સના બિઝનેસ ટૂ બિઝનેસના હેડ અમિતકુમાર ગુપ્તા, નાસ્ફેડના ચેરમેન દિલીપ સંઘાણી તથા રાજ્યના સહકારી બેન્કના આગેવાનો આ અવસરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.