મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને પગલે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજકોટની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા છે. કલેક્ટર કચેરીમાં કોરોનાની મહામારીને કલેક્ટર, કમિશનર, કે.કૈલાશનાથન, અનિલ મુકિમ, જયંતિ રવિ, સાંસદ રમેશ ધડુક સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી છે. ત્યારે રૂપાણીના આગમન સમયે એક શંકાસ્પદ વ્યક્તિને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. 

ઉલ્લેખનીય છે કે CM રૂપાણીના આગમન પહેલા જ આજે રાજકોટમાં કોરનાથી 9 લોકોના મોત નિપજ્યા છે. બીજી તરફ જિલ્લા કલેક્ટર કચેરીમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. તપાસ દરમિયાન તે મુખ્યમંત્રીને રજૂઆત કરવા આવ્યો હોવાનું સામે આવ્યું હતું અને પોતે પોલીસ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. હાલ તો આ વ્યક્તિને ક્રાઈમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યો છે. જોકે આ ઘટનાના કવરેજ દરમિયાન પણ સોશિયલ ડિસ્ટંસિંગના ધજાગરા જોવા મળ્યા હતા. ખુદ મીડિયા કર્મચારીઓએ સમાચાર કવર કરવાના ચક્કરમાં પોતાના જ જીવ જોખમમાં મુક્યા હતા.