મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ લોકરક્ષક પેપર લીક કૌભાંડમાં ધોવાઇ ગયેલી આબરૂ પાછી મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા પોલીસ અધિકારીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજવામાં આવી રહી છે. આજે ગુરુવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના બંગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓની યોજાયેલી બેઠકમાં લોકરક્ષક પરીક્ષા કૌભાંડના સુત્રધાર યશપાલસિંહ સોલંકીની પુછપરછ અંગે વિગતો મેળવી આ કૌભાંડમાં કોઈપણ અધિકારી કે રાજકીય આગેવાનોને નહીં છોડવા આદેશ કર્યો છે. જ્યારે બીજી તરફ આ કૌભાંડમાં ઠગ ટોળકીનું કનેકશન મેળવવા માટે પોલીસ બે આરોપીઓને લઈને અરવલ્લી અને દિલ્હી જવા રવાના થઇ છે.

લોકરક્ષક પેપર લીક કૌભાંડમાં અત્યારે મુખ્ય સુત્રધાર મનાતો યશપાલસિંહ સોલંકી પકડાઈ જતા પોલીસ અને ભાજપ સરકાર થોડા જુસ્સામાં આવી ગઈ છે. આ કૌભાંડથી ભાજપ સરકારની આબરૂ પણ લીક થતા જસદણ અને લોકસભાની ચૂંટણીમાં તેની આડઅસર થાય નહીં તે માટેની કવાયત યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. આ કૌભાંડના ચાર દિવસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના બંગલે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ચાર વખત બેઠક યોજી છે.

ઉપરાંત ગઈકાલે મળેલી કેબીનેટ બેઠકમાં પણ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા, લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાય અને ગાંધીનગરના જીલ્લા પોલીસ વડા મયુરસિંહ ચાવડાને બોલાવી અત્યાર સુધીની તપાસ અને વધુ કાર્યવાહી માટેની વ્યૂહરચના જાણી હતી.

લોકરક્ષક કૌભાંડમાં મુખ્ય સુત્રધાર મનાતા યશપાલસિંહ પકડાઈ જવા સાથે સ્પર્ધાત્મક પરીક્ષા માટેના કલાસીસ ચલાવતા નીલેશ પટેલની સંડોવણી બહાર આવી છે. કેટલાક ઉમેદવારોને દિલ્હી લઇ જનાર નીલેશ પટેલે મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરાવ્યા હતા. જેમાં દક્ષિણ ભારતની કોઈ પ્રિન્ટીંગ પ્રેસમાંથી એક ગુજરાતી વ્યક્તિએ જ આ પેપર દિલ્હીની ઠગ ટોળકીને આપી હોવાની શક્યતા છે.

આથી દિલ્હી કનેક્શન મેળવવા માટે ગાંધીનગર પોલીસ બે આરોપીઓ પ્રતિક પટેલ અને અજય પરમારને લઈને અરવલ્લી ગઈ હતી. જ્યાં રાજેન્દ્રનગર ચોકડી સહીત જે હોટલમાં જમ્યા હતા. તે સહિતના સ્થળોએ સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ પછી પોલીસ તેમને લઈને દિલ્હી જવા રવાના થાય તેવી શક્યતા છે. કોંગ્રેસ સહીત હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને ખાસ કરીને યુવાનોના આક્રમણથી બચવા સાથે લોકરક્ષકની પરીક્ષાથી લીક થઈ ગયેલી ઈમેજ પછી મેળવવા માટે મુખ્યમંત્રી અને ભાજપ સરકાર માટે અત્યારે ભાજપનું કોઈ મોટું માથું ના સંડોવાયેલું હોય તેની સતત તકેદારી રાખી પોલીસના શરણે છે.