જયંત દાફડા (મેરાન્યૂઝ.ગાંધીનગર): નવા મુખ્યમંત્રી શપથ લીધાના એક દિવસ બાદ રાજ્યના લોકો માટે કામ કરવા લાગી ગયા છે. મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલ આજે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તાર પર આવેલી મુસીબતોની સમીક્ષા કરવા સૌરાષ્ટ્ર પોંહચી ગયા છે. ધોધમાર વરસાદને કારણે રાજકોટ અને જામનગરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલએ અસરગ્રસત વિસ્તારોની  મુલાકાત લઈ  લોકો સાંત્વના આપી હતી. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી હતી. વરસાદથી તેમને થયેલા નુકશાનની વિગતો ગ્રામજનો સાથે સંવેદના પૂર્વક  પ્રત્યક્ષ  સાંભળીને  મેળવી હતી. મુખ્યમંત્રીએ આ અસરગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર તમામ મદદ સહાય ની ખાતરી આપતા કહ્યું કે કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત ન રહી જાય અને અગાઉ કરતા પણ તે સૌ નું જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે.

મુખ્યમંત્રીએ જામનગર જિલ્લાના અસરગ્રસ્ત થયેલા ધુંવાવ ગામ, મહાપ્રભુજી બેઠક વિસ્તાર તથા લાલપુર રોડ પરના આશીર્વાદ સોસાયટી વિસ્તારની મુલાકાત લઈ અસરગ્રસ્તોને થયેલી અસર અંગેનો કયાસ કાઢી જામનગર ખાતે કલેકટર કચેરીના સભાખંડમાં જામનગર જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

Advertisement


 

 

 

 

 

સરકાર સ્થાનિક તંત્ર દ્વારા લોકોને બચાવવા માટે કરવામાં આવેલી ત્વરિત કામગીરીની વિગતો આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે જામનગર જિલ્લાના 447 ગામોમાં ભારે વરસાદની અસર પહોંચી છે. સમગ્ર જિલ્લાની ટીમને કપરી કામગીરી સરળતાથી બજાવવા બદલ અભિનંદન આપું છું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નુક્સાનીના સર્વે માટે સ્થાનિક ઉપરાંત બહારના જિલ્લાઓમાંથી પણ ટીમોને બોલાવવા સૂચના આપવામાં આવી છે. હકારાત્મક અભિગમ દાખવીને સાચો રહી ન જાય અને ખોટો લઈ ન જાય એ રીતે સર્વેની કામગીરી હાથ ધરવા માર્ગદર્શન આપ્યું છે.

તેમણે ઉમેર્યું કે, જિલ્લામાં કુલ 4,760 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે.144 લોકોને NDRF, SDRF તેમજ એરફોર્સ દ્વારા રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા છે.46 ટીમો સર્વે માટે હાલ કાર્યરત છે. સૌરાષ્ટ્રમાં મોસમનો 80% વરસાદ પડી ચુક્યો છે.જિલ્લાના 84 ગામોમાં વીજ પુરવઠાને અસર થઈ હતી તાત્કાલિક કામગીરી હાથ ધરીને આજ સાંજ સુધીમાં 100% ગામોમાં વીજળી મળે તે રીતે કામગીરી કરવા સૂચના આપી છે. મૃત પશુ નિકાલ અને સફાઈ માટે જરૂર પડ્યે બહારની ટીમ બોલાવવા સૂચના આપવામાં આવી છે તેમજ રસ્તાઓ ખુલ્લા કરવા કામગીરી થઈ રહી છે.

મુખ્યમંત્રી સાથે  જામનગરના સાંસદ પૂનમ બહેન,પૂર્વ મંત્રી હકુભા જાડેજા,ધારાસભ્ય રાઘવજી પટેલ,મેયર તેમજ અન્ય પદાધિકારીઓ,મુખ્ય સચિવ પંકજ કુમાર, કમિશનર વિજય ખરાડી,કલેકટર સૌરભ પારઘી વગેરે પણ જોડાયા હતા.