મેરાન્યૂઝ નેટવર્ક. ગાંધીનગરઃ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શિખર મંત્રણા આગામી મંગળવારે સિંગાપુરમાં યોજાનાર છે. ઉત્તર કોરિયાએ પરમાણું નિઃશસ્ત્રીકરણનું એલાન કર્યું હોવા છતાં ઉત્તર કોરિયાનું પૂર્ણ પરમાણું નિઃશસ્ત્રીકરણ એટલું આસાન નહીં રહેતા તેના આ રસ્તામાં ઘણા પડકારો રહેલા છે.

ઉત્તર કોરિયા પાસે એટલા પરમાણું બોમ્બ છે કે તેની સંખ્યા માટે માત્ર અનુમાન જ લગાવી શકાય છે. આ ઉપરાંત તેની પાસે પ્લુટોનિયમ અને યુરેનિયમ જેવા રેડિયોએક્ટીવ તત્વોનો ભંડાર ભરેલો છે. અંતરમહાદ્વીપીય બેલાસ્ટીક મિસાઈલ ( આઇસીબીએમ ) જેવી કેટલીય ઘાતક મિસાઈલ પણ હોવા સાથે ઉત્તર કોરિયાની હથિયાર ફેકટરીઓમાં વૈજ્ઞાનિકો દિવસ-રાત કામ કરી રહ્યા છે. તેવા સંજોગોમાં ઉત્તર કોરિયાના પૂર્ણ પરમાણું નિઃશસ્ત્રીકરણ માટે ઘણો લાંબો સમય લાગે તેમ છે.

ઉત્તર કોરિયા અગાઉ જણાવી ચુક્યું છે કે, જો અમેરિકા તેને સુરક્ષા માટે ભરોસાપાત્ર આશ્વાસન સાથે અન્ય કેટલાક લાભ આપે તો તે પોતાના પરમાણું ભંડારને સંપૂર્ણપણે નષ્ટ કરી નાખશે. જો કે, મંગળવારે થનારી ટ્રમ્પ-કીમની શિખર મંત્રણા પહેલા ઉત્તર કોરિયાના વચનોને શંકાની નજરે જોવામાં આવી રહ્યા છે. કે, શું ઉત્તર કોરિયા એટલી સરળતાથી એ પરમાણું હથિયારોનો નાશ કરી નાખશે કે જેને બનાવવાના કારણે તેને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધનો સામનો કરવો પડ્યો છે. ઉતર કોરિયા માટે પોતાના પરમાણું બોમ્બ તેમજ રેડિયોએક્ટીવ પદાર્થોમાંથી કેટલાકને સંતાડી રાખવું કોઈ મુશ્કેલ કામ નહીં હોય. કેમ કે, તેણે પોતાના ત્યાં ગુપ્ત ભંડારો બનાવી રાખ્યા છે. જેમાં ઉત્તર કોરિયાના પરમાણું ભંડારોનો આકાર પણ રહસ્યમય છે. એક અનુમાન પ્રમાણે ઉત્તર કોરિયા પાસે ૧૦થી લઇ ૬૦-૭૦ સુધી પરમાણું બોમ્બ હોઈ શકે છે. ઉત્તર કોરિયા પરમાણું ટેકનીકમાં કેટલુ સક્ષમ છે તે હજુ સુધી અસ્પષ્ટ છે.

જેમાં પરમાણું પરિક્ષણ કરવું એક અલગ વાત છે અને પરમાણું બોમ્બને લાંબી રેંજવાળી મિસાઈલમાં ફીટ કરીને ચોક્કસ નિશાન સાધવું અલગ વાત છે.  ઉત્તર કોરિયાએ વર્ષ ૨૦૦૬ પછી ૬ વખત જમીન ઉપર વિસ્ફોટ કર્યા છે. તેમાં બે વખત તો તેણે હાઇડ્રોજન બોમ્બથી વિસ્ફોટ કર્યો હોવાનો દાવો કર્યો છે.

કિમે ગયા નવેમ્બરમાં જણાવ્યું હતું કે, તેમનો દેશ પરમનું ટેકનીકમાં એક્સપર્ટ છે. જેમાં તમામ વિદેશી સરકારોનું માનવું છે કે, ઉત્તર કોરિયા પરમાણું ટેકનીકમાં સંપૂર્ણ રીતે પારંગત હોય કે ના હોય, પરંતુ તે દિશામાં આગળ જરૂર વધી રહ્યું છે. ગયા વર્ષે ઓક્ટોમ્બરમાં સીઆઇએના તત્કાલીન ડાયરેકટર માઈક પોમ્પીયોએ કહ્યું હતું કે, ઉત્તર કોરિયા અમેરિકા સુધી મિસાઈલથી હુમલો કરવાની ક્ષમતાની નજીક પહોચી ચૂકયું છે. જયારે ઘણા વિશ્લેષકોનું માનવું છે કે, ઉત્તર કોરિયા પોતાની ઓછા અંતરવાળી એ મિસાઈલ ઉપર પરમાણું હથિયાર ફીટ કરવા માટે સક્ષમ છે કે, જે દક્ષિણ કોરિયા અને જાપાન સુધી પહોંચી શકે. જેમાં દક્ષિણ કોરિયા અને જાપાનમાં લગભગ ૮૦ હજાર અમેરિકી સૈનિક તૈનાત છે.

પરમાણું બોમ્બને પ્લુટોનિયમ અથવા અતિ સમૃદ્ધ યુરેનિયમથી વધુ શક્તિશાળી બનાવી શકાય તેમ છે અને ઉત્તર કોરિયા પાસે આ બંનેનો ખજાનો છે. ૨૦૧૬માં દક્ષિણ કોરિયાની સરકારે એક રીપોર્ટમાં જણાવ્યું છે કે, ઉત્તર કોરિયાએ ૫૦ કિલોગ્રામ પ્લુટોનિયમનો સંગ્રહ કર્યો છે. જે ૬થી ૧૦ જેટલા પરમાણું બોમ્બ બનાવવા માટે પુરતું છે. ઉત્તર કોરિયાએ ૨૦૦૭માં ન્યોંગબ્યોનમાં આવેલા પોતાના મુખ્ય ન્યુક્લીયર મથકમાં પ્લુટોનિયમની ઉત્પાદન કરતી ફેકટરીને બંધ કરી દીધી હતી. તે વખતે તેણે પ્રતિબંધોમાં છૂટછાટ મુકાય તેવા હેતુથી તેવું કર્યું હતું, પરંતુ તે પછી સમજુતી નિષ્ફળ રહી હતી. જેમાં સેટેલાઈટ તસવીરોથી એવા સંકેતો મળી રહ્યા છે કે, ઉત્તર કોરિયાએ અત્યારના વર્ષોમાં ન્યોંગબ્યોનમાં પ્લુટોનિયમનું  ઉત્પાદન ફરી શરૂ કરવામાં આવ્યું છે. સ્ટેનફોર્ડ યુનિવર્સીટીના વિશેષજ્ઞોએ હમણા જ લખ્યું હતું કે, ઉત્તર કોરિયા પાસે ૨૫૦થી ૫૦૦ કિલોગ્રામ સુધી ઉચ્ચત્તમ યુરેનિયમનો ભંડાર છે. તેનાથી ૨૫થી ૩૦ પરમાણું બોમ્બ બનવી શકાય છે. એક અનુમાન પ્રમાણે ઉત્તર કોરિયાએ ૧૦ હજારથી વધારે જમીની સુરંગ તેમજ તેવા ભંડારો બનાવી રાખ્યા છે જેમાં પ્લુટોનિયમ, યુરેનિયમ કે બોમ્બ સંતાડવાની કોઈ મુશ્કેલી રહે જ નહીં.