મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનનમાં સૌથી મહત્વનો ફાળો છે એવા સફાઈ કામદારોની સમગ્ર દેશમાં દયનિય હાલત છે ગુજરાતમાં સરકારી કચેરીઓમાં આઉટસોર્સીંગ હેઠળ સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓનું ખાનગી કોન્ટ્રાકટ ધરાવતી એજન્સીઓ શોષણ કરી રહી છે. અરવલ્લી જિલ્લાની મામલતદાર કચેરીઓમાં કામ કરતાં સફાઇ કામદારોને આઠ મહિનાથી પગાર ન મળતા જીલ્લા કલેક્ટર અમૃતેશ ઐરંગાબાદકર ને આવેદનપત્ર ન્યાયની માંગ કરી હતી.

અરવલ્લી જિલ્લાના ધનસુરા, માલપુર, બાયડ, અને ભિલોડા તાલુકાની મામલતદાર કચેરીઓની સાફ-સફાઇ કરતા કર્મચારીઓની દિવાળી આ વખતે બગડે તેવા એંધાણ દેખાઇ રહ્યા છે. આવેદન પત્ર મુજબ આ તમામ તાલુકાઓમાં સફાઇ કામદારોને છેલ્લા આઠ મહિનાથી પગાર નથી થયે જેને લઇને આ તમામ કર્મચારીઓના પરિવાર પર જાણે આભ તૂટી પડયું હોય તેવું લાગી રહ્યું છે.

ગુજરાત વાલ્મીકિ સંગઠનના પ્રમુખ લાલજી ભગતના જણાવ્યા મુજબ જિલ્લાની વિવિધ મામલતદાર કચેરીઓમાં અંદાજે બસો જેટલા સફાઇ કર્મચારીઓ કામ કરી રહ્યા છે...જોકે આતમામ કર્મચારીઓને તહેવાર સમયે જ પગાર ન થતાં પરિવારનું ગુજરાન કેમ ચલાવવું અને તહેવારની ઉજવણી કરવી કે નહીં તે ચિંતા સતાવી રહી છે... એટલું જ નહીં જો સફાઇ કામદારોનો પગાર નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચિંમકી પણ ઉચ્ચારવામાં આવી છે.