મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃએક તરફ કોરોના કાળો કહેર વર્તાવી રહ્યો છે અને સૌ કોઇ પોત-પોતાના આરાધ્ય દેવને પ્રાર્થના કરી રહ્યો છે કે આવા કપરા કાળમાં બચાવો. અનેક લોકો અને સંસ્થાઓ કોરોના પીડિતોની મદદને આવી રહી છે ત્યારે બીજી તરફ આવા સમયે પણ સરકારી બાબુઓ લાંચ લેવાનું નથી મુકી રહ્યા. આવો કિસ્સો આણંદમાં બન્યો છે જ્યાં માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર 15 હજારની લાંચ લેતાં સોમવારે એસીબીના હાથે પકડાયા હતાં.

પ્રાપ્ત વિગત અનુસાર એક જાગૃત નાગરીક દ્વારા 14મા નાણાંપંચ અંતર્ગત 2019-20અને2020-21ના વિકાસલક્ષી કામો પોતાના ગામમાં કર્યા હતા. જેની ફાઈલ એપ્રૃવલ કરાવવા તેઓ માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ આણંદના નાયબ કાર્યપાલક ઈજનેર જગદીશચંદ્ર ખાપાભાઈ પટેલને મળ્યા હતા. તેમણે 2019-02ની ફાઈલ એપ્રૃવલ કરવા માટે રૂપિયા 12હજારની લાંચની માગણી કરી હતી જે ફરિયાદીએ આપી ન હતી. બાદમાં  ફરિયાદી 2020-2021ના વિકાસલક્ષી કામો પોતાના ગામમાં કર્યા હોય તે ફાઈલ પણ એપૃવલ કરાવવા નાયબ કાર્યપાલ ઈજનેરને મળ્યા હતા. તેમણે પહેલી ફાઈલના રૂપિયા 12 હજાર અને બીજી ફાઈલ રૂપિયા 3 હજાર મળી કુલ 15 હજારની લાંચની માગણી કરી હતી.


 

 

 

 

 

ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોય તેમણે આણંદ એે.સી.બી. કચેરીનો સંપર્ક સાધ્યો હતો. જેથી એ.સી.બી.ના પી.આઈ. સી.આર રાણાએ સોમવારે છટકું ગોઠવ્યું હતું. જેમાં માર્ગ અને મકાન વિભાગની ઓફીસમાં જ નાયબ કાર્યપાલક ઈજનેર જગદીશચંદ્ર પટેલને લાંચની રકમ સ્વિકારતા રંગે હાથ ઝડપી લીધા હતાં અને ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી. આરોપી ઇનજેર વડોદરા ખાતે રહેતો હોય તેના ઘરે પણ તપાસ કરવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.