મેરાન્યૂઝ નેટવર્ક. કચ્છ: કંડલા નજીક મીઠા પોર્ટમાં બાઇક અથડાવવા મુદ્દે બે જૂથ વચ્ચે હિંસક અથડામણમાં બે યુવકની હત્યા કરી દેવામાં આવી છે. ધિંગાણામાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બંને મૃતકોને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યો હતો. ત્યાં જ એક વ્યક્તિની હાલત ખુબ જ ગંભીર છે. ઘાયલોને ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.  ઘર્ષણના પગલે ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

અથડામણમાં બે લોકોની હત્યા બાદ પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડ અને અન્ય ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘટનાસ્થળે હાલ લોંખડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસ સમગ્ર વિસ્તારમાં સઘન ચોકિંગ કરી રહી છે. બે યુવકોની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં કરફ્યૂ જેવો માહોલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે બપોરે કચ્છના કંડલાના મીઠા પોર્ટમાં બાઇક ચલાવવા બાબતે એક જ કોમના યુવાનો સામસામે આવી ગયા હતા. જોકે બંન્ને પક્ષે બોલાચાલી ઉગ્ર બનતા હિંસક ધિંગાણું થયુ હતું. જેમાં મામદ મુદરાણી અને દાઉદ ઈસ્માઇલ નામના બે યુવકોની છરીના ઘા મારીને હત્યા કરી દેવાઈ હતી. આ અથડામણ બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્તો ગોઠવી દેવામાં આવ્યો છે.