મેરાન્યૂઝ નેટવર્ક.વારાણસીઃ આમ તો ધર્મના નામે આક્રોશ વ્યક્ત કરવામાં લોકો તુરંત કુદી પડતાં હોય છે, ધર્મના નામે વોટ પણ તુરંત અપાતા હોય છે. પણ ધર્મએ બતાવેલા માનવતાના રસ્તે તેના કરતાં ઘણા ઓછા વ્યક્તિઓ ચાલતા હોય છે. મોક્ષ નગરી તરીકે ઓળખાતા કાશીમાં વ્યક્તિને છેલ્લા સમયે અપાતા ખભા (કાંધ)નો પણ વેપાર થાય તે ચોંકાવનારું છે. અહીં લોકો પોતાનું દુઃખ છોડી બીજાના આંસુ લુછવાના પ્રયાસો કરતાં હતા, પણ મહામારીની સ્થિતિમાં એવું બનવા લાગ્યું છે કે લોકો પૈસા લઈને અંતિમક્રિયામાં ખભો આપે છે.

હરિશ્ચંદ્ર ઘાટ પર અંતિમ યાત્રા દરમિયાન ચાર ખભા પણ હવે ચારથી પાંચ હજારમાં મળતા થયા છે. કોરોના સંક્રમણના કારણે મોત થવા પર પરિજન પણ અંતિમ યાત્રામાં શામેલ થઈ શક્તા નથી. સ્થિતિ એવી બની જઈ રહી છે કે લાશના સાથે એક કે બે વ્યક્તિ જ ઘાટ પર પહોંચે છે. તેવામાં શબને રસ્તાથી લઈને ચિતા સુધી પહોંચાડવા માટેના ચાર ખભાની બોલી ચારથી પાંચ હજાર રૂપિયા જેટલી લાગી રહી છે. કેટલાક યુવાનોની ટોળી પૈસા માટે જીવના જોખમે ખભો આપવાનું કામ કરે છે. એક તરફ જરૂર છે તો બીજી તરફ મજબુરી. મોક્ષ નગરી કાશીમાં હવે ચાર ખભા પણ વગર રૂપિયે મળતા નથી. 

પ્રાપ્ત વિગતો અનુસાર નારિયાના દિપક કોરોના સંક્રમિત પોતાના સ્વજનની લાશ લઈને હરિશ્ચંદ્ર ઘાટ પર વાહનમાં પહોંચ્યા જ્યાં તેમની સાથે તેમનો એક ભાઈ રાજેશ પણ હતો. કોરોના હોઈ પરિજનોમાં વધુ કોઈ આવ્યું ન્હોતું. હવે તેમને આપવા માટે ચાર ખભા (ચાર વ્યક્તિ) માટે તેઓ આજુબાજુ જોવા લાગ્યા. તેમને મન મૃતદેહને ચિતા સુધી કેવી રીતે લઈ જવાય તેના વિચારો ચાલી રહ્યા હતા. દરમિયાન એક યુવક તેમની પાસે પહોંચ્યો અને તેણે કહ્યું કે ચિંતા ન કરો અમે ખભો આપી દઈશું. આશ્ચર્ય સાથે તેમણે આ યુવકને જોયો. દિપકને થયું કે આ વ્યક્તિને ખ્યાલ નથી એટલે જાણકારી આપવી જોઈએ અને કહ્યું કે કોરોનાને કારણે તેમનું મોત થયું છે. યુવકે જવાબ આપ્યો કાંઈ વાંધો નહીં આપ બસ પાંચ હજાર રૂપિયા આપી દેજો. ચિતા સુધી મૃતદેહને પહોંચાડી દઈશું. જોકે વાત સમજુ ચુકેલા રાજેશે કહ્યું આપ ઘણા રૂપિયા માગો છો થોડા ઓછા કરી આપો. બંને વચ્ચે ભાવતાલની વાતચિત થઈ અને આખરે 3500 રૂપિયામાં વાત નક્કી થઈ. જે પછી મૃતદેહને ચિતા સુધી લઈ જવાયો હતો. મૃતદેહ ચિતા સુધી પહોંચતાની સાથે યુવકો કામ પુરુ થયા પછી રૂપિયા લઈ ત્યાંથી જતા રહ્યા હતા.


 

 

 

 

 

આવી તો અહીં ઘણી ઘટનાઓ લોકોને જોવા મળી છે અને ઘણાઓએ અનુભવી પણ છે. એક સમય હતો જ્યારે માનવતાની દ્રષ્ટીએ પણ લોકો અજાણ વ્યક્તિને પણ ખભો આપવામાં પુણ્યનું કામ સમજતા હતા, પણ મહામારીએ સ્થિતિ જ બદલી નાખી અને માનવતાને એક તરફ કરી દીધી હોય તેવો ઘાટ અહીં સર્જાયો હતો. 

અહીં ગ્રામ્ય વિસ્તારોમાં અગ્નિસંસ્કારની સંખ્યા વધતા ભયનો માહોલ બન્યો છે. અહીં લોહતાના અયોધ્યાપુરમાં બનેલા મુક્તિ ધામ પર જવા માટેના રસ્તાને રવિવારે કેટલાક લોકોએ બંધ કરી દીધો હતો. જેને કારણે અગ્નીસંસ્કાર માટે જતાં લોકોએ મૃતદેહ ત્યાં મુકીને વિરોધ શરૂ કર્યો હતો. જાણકારી મળતાં જ પોલીસ ત્યાં પહોંચી અને રસ્તો ખુલ્લો કરી આપ્યો હતો. અયોધ્યાપુરના ભારત મૌર્ય નામના વ્યક્તિની 90 વર્ષિય માતાનું નિધન થયું હતું અને જ્યારે તેઓ મુક્તિ ધામ જઈ રહ્યા હતા ત્યારે કેટલાક ગામના લોકોએ પોતાની જમીનનો રસ્તો છે તેવું કહી રસ્તો રોકી દીધો હતો. જોકે ત્યાં હોબાળો થતાં પોલીસે મધ્યસ્થી કરવી પડી હતી અને રસ્તો ખુલ્લો કરી આપ્યો હતો. સાથે જ ભવિષ્યમાં આવું કરાશે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતાવણી પણ આપી હતી.