મેરાન્યૂઝ નેટવર્ક.સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઢોકળવા ગામમાં હથીયારના ગુના માટે હરસુખ ઝાંપડીયાના નામનું વોરંટ લઇ બામણબોર પોલીસના કર્મીઓ વજાભાઇ સાનીયા અને જયસુખભાઇ ગાબુ રવિવારે બપોરે વાડીમાં આવેલા મકાનમાં ગયા હતા. ત્યારે આરોપી હરસુખ ત્યાં ન મળતા બંને પોલીસ કર્મીઓએ આ વોરંટની આરોપીના કોઇ સગાને જાણ કરવા તપાસ શરૂ કરી હતી.

આ સમયે આરોપીના સગાભાઇ ભોળા ઝાંપડીયા તથા તેના કાકાનો દિકરો મનુ ઝાંપડીયા ત્યાં આવી બંને પોલીસ કર્મીઓને ગાળો આપી રકઝક શરૂ કરી પછાડી દઇ લાકડી અને ઢીંકાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ બનાવથી બંને પોલીસ કર્મીઓને હાથ તથા માથામાં ઇજા પોંહચતા ચોટીલાની સરકારી હોસપીટલમાં સારવાર લીધી હતી.

હુમલો કરનાર બંને આરોપીઓ નાસી છુટ્યા હતાં. બનાવના પગલે પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે ધસી ગયો હતો અને નાસી છુટેલા આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. જ્યારે અંગે ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓએ ફરજમાં રૂકાવટ અને માર મારી ઇજા પહોંચાડવા અંગે બંને આરોપીઓ સામે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.