રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): PSIની ભરતીની જાહેરખબર આવે છે. જૂનાગઢના યુવાન ચિંતન વૈષ્ણવે અગાઉથી જ PSI બનવાની તૈયારી કરી રાખી હતી. પરંતુ જાહેરખબર વાંચી ત્યારે તેને અફસોસ થયો કેમકે ઉંમર માંગી હતી તેમાં 1 મહિનો અને 18 દિવસ ઓછી પડી ! પિતાએ કહ્યું કે દીકરા PSI કરતા GPSCની તૈયારી કર; કલાસ-1/2 બની જઈશ ! ચિંતનના મનમાંથી PSI નું સ્વપ્ન નીકળતું ન હતું. એ પછી જ્યારે 650 PSIની ભરતીની જાહેરખબર આવી ત્યારે તેમણે નિર્ણય કર્યો કે મારે જૂનાગઢનાંથી એક નહીં પણ વધુ PSI બનાવવા છે ! સ્પર્ધકોને માર્ગદર્શન મળી રહે તે માટે તેમણે જય કેરિયર એકેડેમી ભાડાના મકાનમાં શરુ કરી. PSIની પરીક્ષા ચાર તબક્કામાં લેવાતી હતી : પ્રિલિમનરી ટેસ્ટ, ફીઝિકલ ટેસ્ટ, મુખ્ય પરીક્ષા અને ઈન્ટરવ્યૂ. શરુઆતની ફી 1500 અને મુખ્ય પરીક્ષાની ફી 2000 રાખી; જેમાંથી ભાડું અને બીજા ખર્ચાઓ નીકળી શકે. ચિંતન કહે છે : ‘સ્પર્ધાત્મક પરીક્ષામાં જુસ્સો જોઈએ. એક વખત મગજમાં ચોંટી ગયું કે સરકારી નોકરી મેળવવી છે એટલે આકાશ જેવડી મુશ્કેલીઓ આવે તો પણ રોકી શકતી નથી !’ બન્યું એવું જ. 8 સ્પર્ધકો PSI અને 8 સ્પર્ધકો કોન્સ્ટેબલ બને છે ! જૂનાગઢ માટે આ મોટું પરિણામ હતું; લાખો રુપિયા આપો તો જ PSI થવાય છે, એવી ભ્રામક વાતો ફેલાવનારાઓના ગાલ ઉપર આ તમાચો હતો !

આ 8 PSI બન્યા તેમાં દિપક ઉનડકટ તો સાવ ગરીબ ઘરનો. તેના પિતા પ્રભુદાસભાઈ તો કાળવાચોક વિસ્તારમાં ‘જલારામ પાણીપૂરી’ની લારી ચલાવતા હતા. તેમની ઈચ્છા હતી કે દિપક સરકારી નોકરીમાં જોડાય ! જ્યારે દિપક PSI બની ગયો ત્યારે તે અખબારમાં ચમક્યો : ‘જૂનાગઢનો પાણીપૂરી વાળો દિપક હવે પોલીસ સબઈન્સ્પેકટર બની ગયો !’ આ દિપક કંઈ બહુ હોશિયાર ન હતો; ધોરણ 10 માં ગણિત વિષયમાં નપાસ થયેલો હતો; પરંતુ કાચા હિરાને પહેલ પાડવામાં આવે તો ચળકાટ  આવ્યા વિના ન રહે ! દિપક તાલીમ પૂર્ણ કરી ઘેર આવે છે ત્યારે એને યુનિફોર્મમાં જોઈને તેના માતાપિતાની આંખોમાં હર્ષના આંસુ છલકાય છે. એકેડેમી દ્વારા દિપકની સાથે તેના પિતા પ્રભુદાસભાઈનું સન્માન કરવામાં આવ્યું. ચિંતન કહે છે : ‘દિપકે અને મેં લક્ષ્યવેધ કર્યો હતો. લક્ષ્યવેધની ખુશી અદભૂત હોય છે !’

યોગિતા શેખડાનો કિસ્સો પ્રેરક છે. ગરીબ પરિવાર. તેણે 10 મા ધોરણમાં 80% માર્કસ મેળવ્યા; પરંતુ 12 ધોરણમાં 64% માર્કસ મળ્યા. તે નાસીપાસ થઈ ગઈ. 58% સાથે બી. એસ. સી. કર્યું. પરિવારને મદદરુપ થવા 2000  ના પગારની નોકરી શરુ કરી. તેના લગ્ન થયા; એક બાળકની માતા બની. પતિ ખાનગી નોકરીમાં હતા. યોગિતાએ સંઘર્ષ મૂક્યો નહીં. ઘરની જવાબદારી, રસોઈની કામગીરી, બાળક સાચવવું, ઘર ચલાવવા નોકરી કરવી, બધાંને ખુશ રાખવા; આ બધાંની સાથે જીવનમાં હજુ કંઈક કરી છૂટવાની તમન્ના હોય અને સરકારી નોકરી મેળવવા ઝઝૂમવું; વાંચન કરવું, પરીક્ષાઓ આપવા જવું; નિષ્ફળતા મળે તો પચાવવી અને ફરી તૈયારી કરીને સ્પર્ધાત્મક પરીક્ષા આપવા જવું; ફરી સારા પરિણામની આશા રાખવી; યોગિતાની આ જિંદગી હતી. તેને ચિંતન વૈષ્ણવનું માર્ગદર્શન મળે છે. આખરે પરિશ્રમ પરિણામ આપે છે; બેન્કની પરીક્ષામાં પાસ થાય છે. નાયબ મામલતદાર અને લેબ ટેક્નિશિયન તરીકે રાજ્યમાં પ્રથમ નંબરે પસંદ થાય છે ! યોગિતાનો કિસ્સો એ દર્શાવે છે કે પરિશ્રમ અને દ્રઢ નિશ્ચયથી એકથી વધુ સરકારી નોકરી મેળવી શકાય છે ! પરિશ્રમ, સ્માર્ટ વર્ક, સાચી દિશાની મહેનત હંમેશા લક્ષ્યવેધ તરફ લઈ જાય છે !

ભાસ્કરભાઈ જોશી જૂનાગઢ માર્કેટ યાર્ડના ચોકીદાર હતા. બેદિકરા. નાનો દર્શન. તે 11 વર્ષનો હતો ત્યારે પિતાને હાર્ટએટેક આવ્યો અને પિતા ગુમાવ્યા. પિતાની ઈચ્છા હતી કે દર્શન મોટો થઈને સરકારી નોકરી કરે. માતા ઉપર જવાબદારી આવી. માતાએ આંગણ વાડીમાં કામ શરુ કર્યું. જગતમાં સૌથી તાકાતવાન કુદરત છે; અને એની સાથે બાથ ભીંડી શકે એવું બીજું કોઈ પાત્ર હોય તો તે છે માં ! માતા ગમેતેવી પરિસ્થિતિમાં પણ પોતાના બાળકોના ઉછેર, રક્ષણ માટે લડી લેવાની તાકાત ધરાવતી હોય છે. એક દિવસ મોટા ભાઈએ પંખા સાથે લટકીને આત્મહત્યા કરી. દર્શન અને તેની માતા સૂનમૂન બની જાય છે. દર્શન બી.કોમ, એમ. કોમ થયો અને સાથે પાર્ટ ટાઈમ નોકરી શરુ કરી. આ નોકરી સાથે સ્પર્ધાત્ક પરીક્ષાની તૈયારી શરુ કરી. ઘણી પરીક્ષાઓ આપી પણ પરિણામ ન મળ્યું. દર્શન ચિંતન વૈષ્ણવના ફ્રી સેમિનારમાં જાય છે. મનમાં ઝબકારો થાય છે અને બિનસચિલાલય ક્લાર્ક તરીકે પસંદ થાય છે. દર્શન કહે છે : ‘ગમે તેવી પરિસ્થિતિ ઉદભવે તો પણ છેલ્લા શ્વાસ સુધી લડી લેવાનું. જીવનમાં ધણી વ્યક્તિઓ તમારા વિચારો બદલવા પ્રયત્ન કરશે પણ તમારે તમારા વિચારો બદલવા નહીં અને તમારા માર્ગ ઉપર અડગ રહીને ગતિ શરુ રાખવી ! ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું ! યા હોમ કરીને પડો ફતેહ છે આગે ! જીવન એક પરીક્ષા જ છે અને આપણે તેમાં સફળ થવાનું જ છે !’

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે, અહીં તેમના વિચારો અને લેખન કલાને અહીં રજુ કરવામાં આવે છે)