મેરાન્યૂઝ નેટવર્ક.લદ્દાખઃ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલતા સીમા વિવાદ વચ્ચે અહીં સરહદ પાસે એક ચીની સૈનિકને પકડવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સોમવારે કહ્યું કે સુરક્ષાદળોએ લદ્દાખમાં સરહદ પાસે એક ચીની સૈનિકને પકડ્યો છે. આ સૈનિક ચુમાર-ડેમચોક વિસ્તારમાંથી પકડાયો છે. એજન્સીએ સૂત્રોના હવાલેથી કહ્યું છે કે ચીની સૈનિક અજાણતા ભારતીય સરહદમાં ઘૂી ગયો હોઈ શકે છે. સૂત્રોએ એવું પણ કહ્યું કે, નક્કી પ્રોટોકોલ અંતર્ગત જરૂરી કાર્યવાહી કર્યા પછી ચીની સેનાને તે સૈનિક પાછો આપી દેવાશે. રિપોર્ટ મુજબ, ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીના આ સૈનિક પાસેથી નાગરિક અને સૈન્યના દસ્તાવેજો મળ્યા છે.

ભારતીય સેનાની તરફથી અખબારી યાદીમાં કહેવાયું છે કે પકડાયેલા ચીની સૈનિકનું નામ વાંગ યા લોંગ છે અને તેને પૂર્વિ લદ્દાખના ડેમચોક પાસેથી 19 ઓક્ટોબરે સોમવારે પકડવામાં આવ્યો છે. આ સૈનિક ભટકીને વાસ્તવિક નિયંત્રણ રેખા પાર કરી ભારતીય સીમામાં ઘૂસી ગયો હતો. સેનાએ કહ્યું કે તે જવાનને વાતાવરણથી બચાવવા માટે મેડિકલ મદદ સાથે સાથે ખાવા પીવા અને ગરમ કપડા આપવામાં આવ્યા છે.

સેનાએ કહ્યું કે ચીની સેના તરફથી ખોવાયેલા સૈનિકને લઈને અનુરોધ આવ્યો છે. પ્રોટોકોલ અંતર્ગત તે ચીની સૈનિકને ચુશૂલ મોલડો મીટિંગ પોઈંટ પર તમામ ઔપચારિક્તા પુરી કર્યા પછી પાછો ચીનને સોંપી દેવાશે. ઉલ્લેખનીય છે કે ચીની સરહદ સાથે ભારતીય વિવાદને લઈને લદ્દાખમાં છેલ્લા ઘણા સમયથી તણાવ ભર્યું વાતાવરણ ચાલતું આવ્યું છે. ગત મહિને પણ પૈંગોંગ ત્સોમાં બંને પક્ષો વચ્ચે એકથી વધુ વખત એર શોટ ચલાવવામાં આવ્યા હતા.