મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ લદાખની ગાલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં પણ ચીને ઘણું બધું સહન કર્યું છે. આ અથડામણમાં તેના 40 સૈનિકો પણ માર્યા ગયા હોવાના અહેવાલ છે. આટલું જ નહીં, તેની સેનાના કમાન્ડિંગ ઓફિસર પણ મૃતકોમાં સમાવિષ્ટ છે. બીજી તરફ, આ ચીનના કપટને કારણે 20 ભારતીય સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, ભારતના ત્રણ સૈનિકો કે જેઓ શહીદ થયા હોવાના અહેવાલના શરૂઆતમાં આવ્યા હતા તેમાં આપણા કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબુ પણ શામેલ હતા. ચીની સૈનિકો દ્વારા સૌથી પહેલો હુમલો તેમના પર થયો હતો. ત્યારે તે વાતચીત બાદ ચીની સૈનિકોને સમજાવવા ગયા હતા કે તે પાછા જતા રહે.

સોમવારે સાંજે, ભારતીય સૈન્ય અધિકારી સંતોષ બાબુ ટીમ સાથે ગેલવાન ખીણમાં પીપી -14 ગયા હતા, જ્યાંથી ચીની સૈનિકો પીછેહઠ કરવાની હતી. વાતચીતમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે ત્યાં 10-12 ચિની સૈનિકો હતા. અચાનક ઘણા સૈનિકો આવ્યા. ભારતીય અધિકારી અને તેના બે સૈનિકો પર પત્થરો અને લોખંડના સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીય સૈનિકો ચોંકી ઉઠ્યા હતા અને પ્રતિક્રિયા આપી હતી. મોટી સંખ્યામાં ભારતીય સૈનિકો પણ ત્યાં પહોંચી ગયા અને હિંસક અથડામણ મધરાત સુધી ચાલુ રહી હતી.

સૂત્રો કહે છે કે આ લોહિયાળ અથડામણ લગભગ એક બટાલિયન એટલે કે આશરે 600-700 સૈનિકો વચ્ચે થઈ હતી. રાત્રિના સમયે થયેલી અથડામણમાં અનેક સૈનિકો ઊંડા નાળામાં પડી ગયાની પણ ચર્ચા છે. બંને પક્ષના ઘણા સૈનિકો ખરાબ રીતે ઘાયલ થયા છે.

પૂર્વી લદ્દાખમાં અથડામણ બાદ ચીને ભારતને હદ પાર ન કરવાની ચેતવણી આપી છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતીય સૈનિકોએ સોમવારે બે વાર એલએસીને પાર કરી. તેઓએ ચિની સૈનિકોને ઉશ્કેરણી કરીને હુમલો કર્યો હતો, ત્યારબાદ બંને સૈન્ય વચ્ચે ગંભીર મુકાબલો થયો હતો. ચીને ત્રણ ભારતીય સૈનિકોની હત્યાનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તેમના નુકસાન અંગે કંઇ કહ્યું નથી. બીજી તરફ ભારતે સ્પષ્ટ કહ્યું કે અમારું વલણ જવાબદારીથી ભરેલું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત એલએસીમાં તેની તમામ કામગીરી તેની મર્યાદામાં કરે છે. ચીન પાસેથી પણ એવી જ અપેક્ષા રાખવી. અમને આશા છે કે બધું બરાબર થશે. પરંતુ પરિસ્થિતિ બદલવા માટે ચીનના એકપક્ષીય પ્રયાસને કારણે હિંસક અથડામણ થઈ. (અહેવાલ સહાભારઃ ટાઈમ્સ નાઉ અને નવભારત ટાઈમ્સ)