ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): વિક્રમ મકાઇ ઉત્પાદન સામે માંગ વૃધ્ધિ સમાંતર રહેવાની તેમજ સતત ત્રીજા વર્ષે જાગતિક મકાઈનો વર્ષાન્ત સ્ટોક ઓછો રહેવાની આગાહી જોતાં આખા વિશ્વમાં આ વર્ષે મકાઈનાં ભાવમાં મજબૂતાઈ જળવાઈ રહેવાનો વરતારો એનાલિસ્ટ મૂકી રહ્યા છે. બજારના આંતરપ્રવાહને ચીનના પશુઆહાર માટેની જબ્બર મકાઇ માંગનો ટેકો પણ મળી રહેવાનો.

શુક્રવારે સીબીઓટી માર્ચ વાયદો ૪.૨૩ ડોલર પ્રતિ બુશેલ (૨૭.૨૧૮ કિલો) મુકાયો હતો. ૨૦૨૦માં ૪ ડોલરનો ભાવ એ હવે નવી વાસ્તવિકતા છે. માંગમાં મોટો વધારો એ માર્ચ વાયદો ૪.૪ ડોલરની સપાટી વટાવવાની ચાવી છે. અમેરિકન કૃષિ મંત્રાલયે વર્તમાન મોસમના ૪ ડોલર સરેરાશ મકાઇ ભાવની આગાહી કરી છે. ગુરુવારે યુએસડીએ એ ૨૦૨૦-૨૧ના માંગ/પુરવઠાનો વરતારો ગયા મહિના જેટલોજ યથાવત રાખ્યો હતો.

યુએસડીએ એ કહ્યું હતું કે ૧ ડિસેમ્બર સુધીમાં અમેરિકામાં મકાઈનું વાવેતર ૬૧.૮૬ લાખ એકરમાં થયું હતું. આર્જેન્ટિના, યુરોપીયન યુનિયન અને કેનેડામાં ઉત્પાદન ઘટશે, પણ યુક્રેનમાં વિપુલ ઉત્પાદન આવતા આ ઘટાડો સરભર થઈ જશે, પણ વૈશ્વિક સ્તરે ઉત્પાદનમાં ઘટાડો અંદાજાયો છે. મકાઈના ભાવ છેલ્લા છ મહિનામાં ૩૦ ટકા અને સપ્ટેમ્બરથી ઓકટોબર દરમિયાં ૧૫.૫ ટકા વધ્યા હતા. જાગતિક બજારમાં મકાઈનાં ભાવ હાલમાં ૨૨૪ થી ૨૨૮ ડોલર (રૂ. ૧૬૫૬૦ થી ૧૭૬૦૦) પ્રતિ ટન બોલાય છે. ઓકટોબર માસની સરેરાશ ૨૨૯ ડોલર (રૂ. ૧૬૯૩૦)ની હતી.

ભારતમાં અત્યારે એમએસપી (લઘુત્તમ પ્રાપ્તિ ભાવ) રૂ. ૧૮૫૦ની સામે રૂ. ૧૩૫૦થી ૧૪૦૦ પ્રતિ ક્વિન્ટલ બોલાય છે. ભારતના કૃષિ મંત્રાલયના પ્રથમ આગોતરા વરતારા અનુસાર મકાઈનું ખરીફ ઉત્પાદન, ગતવર્ષના ૧૯૬.૩ લાખ ટનથી વધીને ૧૯૮.૮ લાખ ટન આવશે. ફાઓની બે જાગતિક એજન્સીઓ, ઇન્ટરનેશનલ ગ્રેન કાઉન્સિલ અને એગ્રિકલ્ચરલ માર્કેટ ઇન્ફોર્મેશનએ વૈશ્વિક મકાઇ ઉત્પાદન ગતવર્ષના ૧.૧થી ૧.૧૪ અબજ ટન સામે ૧.૧૪થી ૧.૧૬ અબજ ટન થવાની શકયતા દાખવી છે.

અલબત્ત, અમેરિકન કૃષિ મંત્રાલયે તેના વર્લ્ડ એગ્રીકલ્ચરલ સપ્લાય એન્ડ ડિમાન્ડ એસ્ટીમેટમાં વૈશ્વિક ઉત્પાદનના અંદાજમાં ગત મહિનાની તુલનાએ ૫૦ લાખ ટન ઘટ સૂચવી છે. જો કે ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર અને રાજકીય આક્ષેપબાજી નવી ઊંચાઈએ પહોંચી હોવા છતાં, ચીનના પશુ ઉત્પાદકો અને અમેરિકાના મકાઇ ઉત્પાદકો વચ્ચે એક બીજાને પૂરક થાય તેવો ભાઈચારો સર્જાયો છે. આ તબક્કે અમેરિકા અને ચીન બંને ખુશ છે. ગત વર્ષે ચીનની મકાઇ ખરીદી સાવ મામૂલી હતી પણ આ વર્ષે તેમાં ૩૦ ટકાનો ઉછાળો આવ્યો છે.

ચીન દ્વારા તેના પરંપરાગત મકાઇ સપ્લાયર, અમેરિકા અને યુક્રેન પાસેથી ભરપૂર ખરીદી કરવામાં આવી રહી છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇજેશને નિર્ધારિત કરેલા મકાઇ ખરીદીના ૭૦ લાખ ટન લક્ષ્યાંક કરતાં વધુ ખરીદી અત્યાર સુધીમાં કરી લીધી છે. અમેરિકન ફોરેન એગ્રીકલ્ચર સર્વિસિસના નિષ્ણાતોએ કહ્યું હતું કે આ વર્ષે ચીનની ખરીદી ત્રણગણી વધુ ૨૨૦ લાખ ટન થઈ શકે છે.

ચીનના નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટેસ્ટીકસના અંદાજ મુજબ મકાઇ ઉત્પાદન, ગતવર્ષના ૨૬૭૦.૭ લાખ ટનથી ઘટીને ૨૬૦૬.૭ ટન આવશે. જો કે એનાલિસ્ટઓ માનતા હતા કે ઉત્પાદનમાં આથી મોટું ગાબડું પડશે. બ્રાજીલની કૃષિ એજન્સી કોનાબનો તાજો અંદાજ કહે છે કે મકાઈનું ઉત્પાદન, નવેમ્બર અંદાજ ૧૦૪૯ લાખ ટન કરતાં ઘટીને ૧૦૨૬ લાખ ટન આવશે.         

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)