ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): દક્ષિણ અમેરિકન ઘઉ સપ્લાયમાં ખાંચરો પાડવાની ભીંતિ, અમેરિકન નિકાસમાં ઉછાળો, આખા વિશ્વની ખરીદીમાં વધેલો રસ, અમેરિકન ઘઉ ઉત્પાદક મિડવેસ્ટ રાજ્યોમાં પવનનો વધુ વેગ જેવા અસંખ્ય કારણોએ શિકાગો ઘઉ માર્ચ વાયદાને મે ૨૦૧૪ પછીની નવી ઊંચાઈ ૬.૩૩ ડોલર પ્રતિ બુશેલ (૨૫.૨૧૬ કિલો)એ લઈ જવામાં મદદ કરી હતી. સોયાબીન અને મકાઇ બજારની તેજીની પણ ઘઉને હૂંફ મળી છે. કેન્સાસ સિટી માર્ચ હાર્ડ રેડ વીંટર ઘઉ ૫.૮૮ ડોલર મુકાયા હતા. 

ત્રીજા સપ્તાહમાં પ્રવેશેલી આર્જેન્ટિના પોર્ટ હડતાળને લીધે શિપમેન્ટ મુશ્કેલીમાં મુકાયા છે અને રશિયામાં નિકાસ પર અંકુશો મુકાવાથી નિકાસ ધીમી પાડવા જેવા કારણો પર પણ ટ્રેડરો નજર રાખીને બેઠા છે. ક્રિસમસ રજાઓ માથે હોઇ પાતળા કામકાજે, પેરિસ સ્થિત યુરોનેક્સ્ટ એક્સ્ચેન્જ પર માર્ચ મિલિંગ ઘઉ વાયદો વધીને ૨૦૮.૫ યુરો (૨૫૪ ડોલર) પ્રતિ ટન મુકાયો હતો. 

આ સપ્તાહે ૧૨.૫ ટકા પ્રોટીન, બ્લેક-સી પોર્ટ જાન્યુઆરી ડિલિવરી ૨૫૭ ડોલર એફઓબી શરતે સોદા થયા હતા, જે એક સપ્તાહ અગાઉંના ભાવ કરતાં પાંચ ડોલર વધુ હતા. ફેબ્રુઆરી ડિલિવરીના ભાવ ૨૬૦ ડોલર હતા. યુએસ કૃષિ મંત્રાલયનું અનુમાન છે કે ૨૦૨૦-૨૧માં ઘઉની નિકાસ ૨૬૮ લાખ ટન થશે. અમેરિકન ટ્રેડ કરાર પૂરા કરવા અને સ્ટોક રિજર્વ વધારવાના હેતુથી ચીનના ટ્રેડરોનો અમેરિકન ઘઉ ખરીદવામાં રસ વધ્યો છે. ૧૭ ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહ સુધીના અમેરિકન પોર્ટના આંકડા સૂચવે છે કે સતત પાંચમા સપ્તાહમાં ચીન ખાતેની નિકાસ વધતાં દરે વધી રહી છે.


 

 

 

 

 

યુએસડીએના ડેટા સૂચવે છે કે ૨૨ લાખ ટન ઘઉના નિકાસ કમિટમેન્ટ સાથે અમેરિકન ઘઉના ત્રીજા સૌથી મોટા ગ્રાહક ચીને સાત વર્ષમાં સૌથી વધુ સોદા કર્યા છે. બ્રાજીલીયન મિલિંગ ઇન્ડસ્ટ્રીના સૂત્રો કહે છે કે, આર્જેન્ટિનામાં પોર્ટ વર્કરોની હડતાળનો જો અંત નહીં આવે તો બ્રાજીલની મિલિંગ ઘઉ પીલાણમિલો મુશ્કેલીમાં મુકાઇ જવાની ચિંતા વધી છે. બ્રાજીલમાં હમણાંજ પૂરી થયેલી લણણી મોસમ પછીના અંદાજો કહે છે કે ઉત્પાદન ૬૩ લાખ ટન આવશે. 

યુરો નેકસ્ટના ડેટા કહે છે કે બુધવારે સુધીમાં નોન-કામર્સિયલ ખેલાડીઓએ તેમના મિલિંગ વ્હીટ ફ્યુચર્સ એન્ડ ઓપ્શનમાં તેજીના ઓળીયા ૧૮ ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં, એક સપ્તાહ અગાઉ ૯૩૭૦૩ કોન્ટ્રેક્ટથી ઘટાડીને ૮૬૪૧૮ લોટ કર્યા હતા. ફ્રાન્સના કૃષિ મંત્રાલયના દાવા મુજબ યુરોપિયન યુનિયનના રાષ્ટ્રોમાં ફ્રાંસ સૌથી વધુ શિયાળુ ઘઉ પેદા કરે છે. ૨૦૧૯ના વાવણી સમયે પડેલા વરસાદે આ વર્ષની વાવણીને મુશ્કેલીમાં મૂકી દીધી છે, પરિણામે બજારના વરતારા પ્રમાણે જ ઉત્પાદન ઘટ આવવાની શક્યતા છે. 

અલબત્ત, ઓસ્ટ્રેલીયા પણ ૨૦૨૧માં ઘઉ સામે ઘણા પડકારો છે, ખાસ કરીને ૩૧૨ લાખ ટનનો મબલખ પાક, લોજિસ્ટિક અને ઓસ્ટ્રેલિયન ડોલરની અફડાતફડી જેવા કારણોસર વિપુલ પાક સાચવવો મુશ્કેલ થઈ પડ્યો છે. ઘઉ પાકની આગાહી કરનાર જૂથ મુજબ ૨૦૨૦-૨૧માં ઓસ્ટ્રેલીયા ૧૫થી ૨૦ લાખ ટન ઘઉ, ચીનમાં નિકાસ કારવાનો લક્ષ્યાંક ધરાવે છે. ૨૦૧૯-૨૯ના પાકમાંથી નિકાસ થયેલા કૂલ ઘઉમાંથી ચીનમાં ૧૫ ટકા જેટલા ઘઉ ચઢાવવામાં આવ્યા હતા.    

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)