ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ):  ખાદ્યતેલના ઊડાઊડ થતાં ભાવોનું સીધું પ્રતિબિંબ સોયાબીન કોપલેક્સમાં જીલાયું. સોયાબીન જુલાઇ વાયદો, ગતસપ્તાહે ૩.૬ ટકાના ઉછાળે સપ્ટેમ્બર ૨૦૧૨ પછીની નવી ઊંચાઈએ, પ્રતિ બુશેલ (૨૭.૨૧૮ કિલો) ૧૫.૯૯ ડોલર મુકાયો, મંગળવારે ૧૫.૯૧ ડોલર બોલાયો હતો. તેલિયારાજા ટ્રેડરો કહે છે કે ચીનની સતત લેવાલી વૈશ્વિક અનાજ બજારને નવી ઊંચી સપાટીએ જવાનું ચાલકબળ મળ્યું હતું. જાગતિક ખાધ્યતેલોની સર્જાયેલી અછતે પામ ઓઇલના ભાવ ૧૩ વર્ષની ઊંચાઈએ પહોંચી ગયા, બસ આ જ ઘટનાએ સોયાબીનની તેજીમાં તેલ પુર્યું હતું.

યુનાઈટેડ નેશન્સની ફૂડ એજન્સી ફાઓએ કહ્યું કે આ વર્ષના આરંભથી અત્યાર સુધીમાં સોયાબીન વાયદો ૭ ટકા વધીને ૧૬ ડોલરની નજીક પહોંચી ગયો. વૈશ્વિક અનાજના ભાવો સતત ૧૧માં મહિને વધીને એપ્રિલમાં સાતવર્ષની ઊંચાઈએ પહોંચ્યા છે. આ તેજીના કારણોમાં કોઈ બદલાવ નથી આવ્યો, લાંબાગાળાની આ તેજી હુજુ પણ સક્રિય અને જીવંત છે. ઇતિહાસમાં ક્યારેક જ બનતી ઘટનાઓમાની એક, કયા પાકને કેટલી જમીન ફાળવવી તેનું અત્યારે યુદ્ધ લડાઈ રહ્યું છે. 

વાસ્તવમાં જૂના પાકના ઊંચા ભાવને લીધે હાજર અને વાયદામાં વેચાણ પર ખેડૂતો ટ્રેડરોની જબ્બર પકડ વધી હોઇ આપણને નવા પાકના વાયદામાં મોટી માંગ જોવા મળી રહી છે. કોઈએ તો બાજી છોડવી જોઈએ પણ, આવું અત્યાર સુધી બન્યું નથી તે પણ હકીકત છે. સોયાબીનના ભાવ સાડા આંઠ વર્ષની ઊંચાઈએ ગયા હોવાથી કાંઠે બેઠેલા ટ્રેડરોની માંગમાં સાવચેતીનો સૂર જોવા મળે છે. 


 

 

 

 

 

આપણે સોયાબીન અને મકાઈનાં નવા પાકે તેજીની આગેવાની લીધાનું જોઈએ છીએ. આ ઘટના એવું સ્પષ્ટ સૂચવે છે કે આ બન્ને પાકની બજારો વધુમાં વધુ જમીન ફાળવાય તેવું ઈચ્છે છે. પણ આ યુદ્ધ તેમને કયા લઈ જશે? વધુ મકાઈ વાવેતરનો મતલબ કે ઓછા સોયાબીન ઉપજશે. પરિણામે નવા પાકનો સપ્ટેમ્બર સોયાબીન વાયદો ૧૪.૬૩ ડોલરની ઊંચાઈએ હતો. 

જો કે ચીનનો ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન, ઇન્વેસ્ટમેન્ટ અને વપરાશનો ઇંડેક્સ જાન્યુઆરીથી સતત વધી રહ્યો છે. મહત્વની કોમોડિટી આયર્ન ઓર, કોપર અને સોયાબીનના ભાવ પ્રથમ ત્રિમાસિકમાં વર્ષાનું વર્ષ અનુક્રમે ૫૩.૫ ટકા, ૨૮ ટકા અને ૧૧.૧ ટકા વધ્યા હતા. ભાવ વધારાને કારણે ચીનની આયાત નિકાસમાં પણ ધરખમ વધારો થયો હતો.

વિશ્વના સૌથી મોટા સોયાબીન આયાતકાર ચીનના જનરલ એડમિનિસ્ટ્રેશન ઓફ કસ્ટમ્સના ડેટા કહે છે કે એપ્રિલમાં સોયાબીનની આયાત, ગત વર્ષના સમાનગાળાની ૬૭.૧૪ લાખ ટનથી વધીને ૭૪.૫ લાખ ટન થઈ હતી. ચીનની પીલાણ મિલો કહે છે કે એપ્રિલની આયાત અપેક્ષા કરતાં ઓછી થઈ હતી કારણ કે બ્રાજીલમાં નવા પાકની આવકો હજુ ધીમી છે. 


 

 

 

 

 

બ્રાજીલના વેપાર મંત્રાલયના આંકડા કહે છે આ વર્ષના પ્રથમ ચાર મહિનામાં ચીનની સોયાબીન નિકાસ ૧૭ ટકા વધીને ૨૮૬.૩ લાખ ટન થઈ હતી, જે અમેરિકા અને બ્રાજીલ બન્ને દેશમાંથી થઈ હતી. એનાલિસ્ટો કહે છે કે અમેરિકન કૃષિ મંત્રાલય બુધવારે માંગ પુરવઠાના નવા આંકડા રજૂ કરશે, તેમાં સોયાબિનનો સ્ટોક કદાચ ઘટીને ૧૩૮૦ લાખ બુશેલ મૂકશે. 

ચીનમાં નવો આફ્રિકન સ્વાઇન ફ્લૂ ફાટી નીકળતા માર્ચમાં સોયાબીન પીલાણ મિલોનું માર્જિન (નફો) ઘટ્યુ હતું. પરિણામે સોયાબીન ખોળનો પુરવઠો ઘટતા પશુઆહાર માટે ઘઉનો વધુ ઉપયોગ થયો હતો. ચીનના કસ્ટમ્સ ડેટા કહે છે કે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં ખાધ્યતેલની આયાત ગતવર્ષ કરતાં ૪૭.૪ ટકા વધીને ૩૮ લાખ ટન થઈ હતી.  

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)