ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): માર્ચ મહિનામાં પ્લેટીનમે ૧૭ વર્ષની બોટમ બનાવ્યા પછી તબક્કાવાર વધીને હવે બે સપ્તાહની નવી ઊંચાઈ પ્રાપ્ત કરી છે, પણ કોરોના વાયરસના પ્રકોપના દબાણ હેઠળ પ્લેટીનમ ગ્રુપને હજુ પગ નથી. ૧૯ માર્ચે લઘુત્તમ ૯૯.૯૫ ટકા પ્યોરીટી પ્લેટીનમ ભાવ ૫૬૨ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) ૧૭ વર્ષના તળિયે બેસી ગયા પછી, સોમવારે ૯૧૦ ડોલરની ઉંચાઈએ પહોચ્યા હતા. ડેટા સૂચવે છે કે માર્ચ ૨૦૨૦ અગાઉ ૬ મે ૨૦૦૩ના રોજ ભાવ ૬૦૮ ડોલર મુકાયા હતા.

જો કે માર્ચમાં ભાવ તળિયે બેસી જતા એકાએક ખાસ કરીને ચીનની જબ્બર લેવાલી નીકળી હતી. ચીને નીચા ભાવે જ્યાંથી મળે ત્યાંથી પ્લેટીનમ એકથી કરીને પોતાના અનામત સ્ટોકમાં વધારો કર્યો હતો. ફેબ્રુઆરીના અંતિમ તબક્કામાં પ્લેટીનમ ગ્રુપ મેટલ પેલેડીયમનાં ભાવ પણ ૨૭ ફેબ્રુઆરીએ ઉછળીને ઓલ ટાઈમ હાઈ ૨૭૮૯ ડોલર મુકાયા હતા ત્યારબાદ માર્ચમાં ઘટીને ૧૬૧૨ ડોલર અને મંગળવારે ૧૯૮૮ ડોલર ઇન્ટ્રાડેમાં ક્વોટ થયા હતા.

માર્ચ ૨૦૨૦મા જ્યારે ભાવે નવું તળિયું બનાવ્યું ત્યારે ચીના રોકાણકારોમાં તેની ભારે માંગ નીકળી હતી. એ સમયે તમામ સપ્લાય માર્ગો અસ્ત્વય્સ્ત થઇ ગયા હતા. આ દરમિયાન જ શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જ પર એક મહિનામાં જબ્બર ઉછળો આવ્યો હતો. એક કાચા અંદાજ પ્રમાણે ચીનના જવેલરો અને ઔદ્યોગિક ગ્રાહકોએ ૧૦.૬ ટન (૩.૪૦ લાખ ઔંસ) પ્લેટીનમ ખરીદી હતી. લંડન સ્થિત બુલિયન કંપની જોન્સન એન્ડ મેથી કહે છે કે એક જ મહિનામાં પ્લેટીનમ ખરીદીનો વિક્રમ આ વખતે બમણી ખરીદી સાથે તુટ્યો હતો.

એપ્રિલ અને મે મહિનામાં રોહાડીયમ અને પેલેડીયમ સહિતની પ્લેટીનમ ગ્રુપ મેટલમાં નીકળેલી એકાએક માંગને લીધે, જે રીતે અનાપસનાપ ભાવ વધ્યા હતા, તેથી વર્તમાન તેજી ટૂંકજીવી નીવડે તેવી સંભાવના છે. આ માટેનું મૂળ કારણ છે વૈશ્વિક ગ્રાહકો આવશ્ય્કાતા પુરતી જ ખરીદી કરતા હોઈ આ બધી ધાતુની માંગ સામાન્ય રીતે ખપ પુરતી જ અને મોસમી પ્રકારની હોય છે. આઈએચએસ માર્કેટનો અંદાજ છે કે કોરોનાને કારણે બજારમાં અત્યારે તીવ્ર અચોક્કસતા પ્રવર્તે છે, નવી આગાહીઓ કહે છે કે આ વર્ષે હળવા વાહનોનું ઉત્પાદન ૨૨ ટકા ઘટીને માત્ર ૬૯૬ લાખ વાહનો જેટલું રહી જવાનું છે.

દેશમાં કોરોના વાયરસ ન ફેલાય તે હેતુથી દક્ષિણ આફ્રિકા જેવા મહત્વના પીજીએન ઉત્પાદકોએ માર્યાદિત સમય માટે ખાણો બંધ કરી નાખી. બીજી તરફ પીજીએમ ઘટક ધરાવતી ધાતુનો સ્ક્રેપ મળવો પણ મુશ્કેલ થયો છે. આરંભિક તબક્કામાં તો ભાવ વધવાનું આ જ કારણ જણાય છે. ઓટોમોબાઈલ, કેમિકલ, ઓઈલ રીફાઈનરી, કાચ ઉત્પાદન સેકટરમાં વ્યાપક સ્લોડાઉન, કોરોના સોસીયલ ડીસ્ટનસીંગ જેવા કારણોસર માત્ર આવશ્યક સેવાઓ જ કામ મારતી હોઈ પીજીએમની માંગને ભારે ધક્કો પહોચ્યો છે.

આજે ભલે પ્લેટીનમએ ૯૦૦ ડોલરનો ભાવ વટાવ્યો હોય, પણ તમામ પાંચેય પીજીએમ ધાતુમાં સૌથી નબળી કામગીરી પ્લેટીનમની છે. હાલમાં જે કઈ ભાવ વધ્યા છે તે, સૌથી મોટા ઉત્પાદક  દક્ષિણ આફ્રિકાની સપ્લાયમાં ખાંચરો પડ્યો તેને આભારી છે. ઈમ્પાલા પ્લેટીનમ ખાણમાં અસંખ્ય મજુરોને કોરોના પોઝીટીવ આવતા માર્યાદિત સમય માટે ખાણ બંધ કરી દેવી પડી છે. કોરોનાને લીધે  અને ઓટો કેટલીસ્ટ માંગ અને પુરવઠાની મુશ્કેલી છતાય, આ વર્ષે પ્લેટીનમ ગ્રુપ મેટલના ભાવ મજબુત રહેવાની શક્યતા છે, એવું જોન્સન એન્ડ મેથીનું માનવું છે.

(અસ્વીકાર સૂચના: કોમોડીટી વેબસાઈટ અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)