રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ) : શાળાપ્રવેશોત્સવ/ગુણોત્સવ વેળાએ મુખ્યત્વે પછાત વિસ્તારની શાળાઓમાં જવાનું બનતું. મહિલા શિક્ષણનો રેશિયો નીચે હોય તેવી શાળાઓની પસંદગી થતી. રાજ્યના વર્ગ-1 કક્ષાના અધિકારીઓથી લઈને ચીફ સેક્રેટરી; ખુદ મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં ભાગ લેતા. પરંતુ શાળામાં બનેલા નવા ઓરડાઓ કોઈ ધ્યાન દઈને જોતા ન હતા. નવા ઓરડાના પ્લાસ્ટરમાં ઠેકાણું જોવા મળતું નહીં. છત તથા ફ્લોરિંગના કામમાં વેઠ કાઢેલી હોય.બારી-બારણાં હલકી કક્ષાના હોય. દિવાલોમાં તિરાડો હોય. બિલ્ડિંગ જોઈને એવું જ લાગે કે થઈ શકે તેટલો પૂરેપૂરો ભ્રષ્ટાચાર કરેલો છે ! રાજાશાહી વખતની સ્કૂલોના મકાનો જૂઓ; હજુ પણ કાંકરી ખરી નથી. જ્યારે નવા વર્ગખંડો તો પ્રથમ ચોમાસામાં દૂઝવા લાગે છે. આઝાદી પછી એક સરકારી પ્રાથમિક શાળા બતાવો જે ગાયકવાડ રાજાએ કે અંગ્રેજોએ બનાવેલ શાળા કરતા ચડિયાતી હોય ! શાળાના બિલ્ડિંગમાં ઠેરઠેર ભ્રષ્ટાચાર દેખાતો હોય ત્યારે બાળકોના મન ઉપર તેની નકારાત્મક છાપ ઊભી થાય છે. બાળકો આવા નબળા વર્ગખંડો જોઈને પ્રામાણિક બને કે અપ્રમાણિક બને? શાળાના વર્ગખંડો ભ્રષ્ટાચારની સતત પ્રેરણા આપે છે !

સામાજિક એકતાના ઉદ્દેશ માટે શાળામાં મધ્યાહન ભોજન યોજના ચાલુ થયેલ છે. શાળાના બાળકો સમૂહભોજન કરે તો ઊંચનીચના ભેદભાવ દૂર થાય. 1965 થી 1972 સુધી માલપરા ગામની સરકારી પ્રાથમિક શાળામાં હું ભણતો. 5 થી 7 ધોરણના બાળકો રાત્રે શાળામાં જ રહેતા. ફાનસના અજવાળે રોજ વાંચન થતું. રોજે સાફસફાઈનું કામ કરતા. દર મહિને ગ્રામસફાઈ કરતા. દર મહિને  રાત્રે સમૂહભોજન થતું. ભોજન સૌ ઘેરથી લાવતા અને સાથે જમતા ! શાળાજીવનથી જ દલિત બાળકો સાથે રહેવાનું બન્યું એટલે અસ્પૃશ્યતા હાવી થઈ શકી નહીં. પરંતુ હવે કોઈ સરકારી શાળામાં આવું રાત્રિ સમૂહજીવન જોવા મળતું નથી. આ કારણસર બાળમાનસમાંથી સામાજિક ભેદભાવ નીકળી શકતો નથી. ઘણી શાળાઓમાં ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશના સ્પેશ્યલ શિક્ષકો નથી ! જે શિક્ષકો છે; તેઓ જાતજાતના સરકારી ઉત્સવો/ટ્રેનિંગ વગેરેમાં રોકાયેલા રહે છે. શિક્ષકો શાળામાં હોવા છતાંય કાગળના કામમાં એટલા વ્યસ્ત હોય કે બાળકોને વધુ સમય આપી શકતા નથી ! બાળકો આ બધી સમસ્યાઓ ન સમજી શકે; પણ જિલ્લા શિક્ષણાઘિકારીને સમજ ન પડે? તંત્રએ એક નવો ભેદભાવ ઊભો કર્યો છે : સરકારી શાળાના બાળકો અને ખાનગી શાળાના બાળકો ! ગુજરાતી મીડિયમના બાળકો અને ઈંગ્લિશ મીડિયમના બાળકો ! આ ભેદભાવ બાળમાનસમાં ભ્રષ્ટાચાર રોપે છે !

મધ્યાહનભોજન યોજનાની દયનીય હાલત છે. આ યોજનાનું સંચાલન શાળાના આચાર્ય હસ્તક હોવું જોઈએ. રેવન્યૂખાતાનો અધિકારી કરપ્શન કરે તેવું કરપ્શન આચાર્ય ક્યારેય ન કરે ! મધ્યાહન ભોજન બનાવતા રસોઈયા, સંચાલકોને પગાર સમયસર મળતો નથી. મધ્યાહન ભોજનના સંચાલકોને મામલતદાર ઓફિસમાં ટકાવારી આપવી પડે ! ભોજનની ગુણવત્તા હલકી જ હોય ! મધ્યાહન ભોજનમાં પૌષ્ટિક કરપ્શન થાય છે ! કેટલાય બાળકો નિશાળમાં મધ્યાહન ભોજન ખાઈને જ પોતાનું પેટ ભરતા હોય છે. મોટાભાગની શાળાઓમાં શિક્ષકોને મધ્યાહન ભોજનના સંચાલકો સાથે સમયાંતરે માથાકૂટ થતી હોય છે, એનું મુખ્ય કારણ બાળકોને પૂરતું અને સારું જમવાનું મળે એ હોય છે. મધ્યાહન ભોજનની હલકી ગુણવત્તા જોઈને બાળક ભ્રષ્ટાચારના પાઠ શીખે છે !rs

(લેખક નિવૃત્ત આઇપીએસ અધિકારી છે)