મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: સરકારી અધિકારીઓના પદ જેટલા મોટા એટલો જ એમનો અહંમ પણ મોટો હોય છે આવી જ ઘટના અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલી ચીફ પોસ્ટ માસ્તરની ઓફિસમાં ઘટી છે.લાંબા સમયથી ચીફ પોસ્ટ માસ્તર જનરલ અને જનરલ મેનેજર  ફાઈનાન્સ વચ્ચે ચાલી રહેલા યુધ્ધના કારણે ભારત સરકારના આદેશની વિરૂધ્ધ જઈ ચીફ પોસ્ટ માસ્તર જનરલે તમામ કર્મચારીઓને પોતાની ફરજ ઉપર હાજર થઈ જવા આદેશ આપ્યો છે.
ભારત સરકારે કોરાનાની સ્થિતિને કારણે આવશ્યક સેવાઓ સિવાય તમામ સેવાઓ બંધ કરી દીધી છે, આવશ્યક સેવાઓ પણ  ઓછા સ્ટાફમાં ચલાવવા આદેશ આપ્યો છે, અમદાવાદના ખાનપુરમાં આવેલી ચીફ પોસ્ટ માસ્તરની ઓફિસ આવશ્યક સેવામાં આવતી નથી,પરંતુ ચીફ પોસ્ટ માસ્તર અને જનરલ મેનેજર ફાઈનાન્સ વચ્ચે ઝઘડો ચાલતો હોવાને કારણે ચીફ પોસ્ટ માસ્તરે ફાઈનાન્સ વિભાગના 150 કર્મચારીઓને કામ વગર પોતાની ફરજ ઉપર હાજર કરી તેમના જીવનને જોખમમાં મુકી દીધા છે.
પોસ્ટના ફાઈનાન્સ વિભાગનું કામ પ્રજા સાથેનું નથી,આથી  આ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ ફરજ ઉપર આવે  તે જરૂરી નથી આમ છતાં પોતાની સત્તાનું પ્રદર્શન કરવા ચીફ પોસ્ટ માસ્તરે ફાઈનાન્સ વિભાગના અધિકારીઓને ફરજ ઉપર બોલાવી લીધા છે,બીજી  તરફ  આ ઓફિસમાં  સેનીટાઈઝેશનની પણ કોઈ વ્યવસ્થા રાખવામાં આવી નથી, આમ સરકારી અધિકારીઓનો ટકરાવ કર્મચારીઓની જીંદગી જોખમમાં મુકી રહ્યો છે.