પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ભાજપના બે નેતાઓની લડાઈને રોકવામાં નિષ્ફળ ગયેલી ભાજપની પ્રદેશ નેતાગીરીને કારણે જયંતિ ભાનુશાળીની એક મહિના પહેલા ટ્રેનમાં હત્યા થઈ ચુકી હતી. આ મામલે ભાનુશાળીના પરિવાર દ્વારા શંકા અબડાસાના પુર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને મનિષા ગોસ્વામી સહિત તેમના સાગરિતો તરફ વ્યકત કરી હતી. આ મામલે તપાસ કરી રહેલા ખાસ તપાસ પંચે પણ હત્યા છબીલ પટેલ અને મનિષાએ કરાવી હોવાનો ઘટસ્ફોટ કરી બે આરોપીની ધરપકડ કરી હતી. જો કે પોલીસની તપાસ તેના કરતા આગળ વધી ન્હોતી. આ દરમિયાન મેરાન્યૂઝને મળેલી એક ઓડિયો કલીપમાં છબીલ પટેલ જયંતિ ભાનુશાળીની હત્યા સાથે પોતાનો કોઈ પ્રકારનો સંબંધ હોવાની વાત નકારી રહ્યા છે.

છબીલ પટેલે ઓડિયો કલીપમાં દાવો કર્યો છે કે તેઓ અમેરિકા ધંધાના કામે આવ્યા  ત્યાર બાદ જયંતિ ભાનુશાળીની હત્યા થઈ હતી, પણ તેમને જાણકારી મળી કે ફરિયાદમાં તેમના નામનો ઉલ્લેખ છે આ એક તેમની સામેનું કાવત્રુ હોવાનું તેઓ માની રહ્યા છે. છબીલ પટેલે ગુજરાત પોલીસમાં પોતાને વિશ્વાસ હોવાનો દાવો કરતા જણાવ્યું છે કે, તેઓ તેમની બીઝનેસ મિટીંગ પુરી થતાં ભારત પાછા ફરી પોલીસ સામે હાજર થઈ પોલીસની તપાસમાં પુરતો સહકાર આપશે, પણ તેઓ ભારત પાછા ફરે ત્યારે તેમને જીવનો જોખમ હોવાને કારણે તેમને પોલીસ દ્વારા રક્ષણ પુરૂ પાડવામાં આવે તેવી તેમની માગણી છે.

મેરાન્યૂઝને મળેલી ઓડિયો કલીપ છબીલ પટેલની જ છે તેવું ઓડિયો કલીપ સાંભળતા લાગી રહ્યું છે, પરંતુ અમે તેની સત્યતા માટે કોઈ દાવો કરતા નથી તમે પણ સાંભળો આ ઓડિયો કલીપ...