મેરાન્યૂઝ નેટવર્ક, વોશિંગ્ટન: સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ પર ગુજરાત સહિત ભારતના ઘણા રાજ્યોમાં વિવાદ થયો. પરંતુ આમ છતાં આ ફિલ્મને ઘણા રાજ્યો અને વિદેશોમાં રિલિઝ કરવામાં આવી છે ત્યારે હવે અમેરિકામાં આ ફિલ્મની ગીત ‘ઘૂમર’ ધૂમ મચાવી રહ્યું છે. અમેરિકામાં તો ‘ઘૂમર’ ડ્રાંસની લોકપ્રિયતા એટલી વધી છે કે નેશનલ બાસ્કેટબોલ એસોશિયેશન (NBA) ની મેચ દરમિયાન ચીયર્સલીડર્સના એક ગૃપ દ્વારા આ ગીત પર નૃત્ય કરવામાં આવ્યું હતું. આ ડાન્સનો વીડિયો NBAના ફેસબુક પેજ પર પણ મુકવામાં આવ્યો છે અને તેને અત્યાર સુધીમાં બે મિલિયન એટલે કે 20 લાખથી વધુ લોકોએ જોયો છે અને આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

એનબીએની આ ઇન્વેટનો વીડિયો 28 જાન્યુઆરીનો છે. તે દિવસે શાર્લોટ હોર્નેટ્સ ટીમ અને મિયામી હીટ વચ્ચે એનબીએ મેચ દરમિયાન ઘૂમર ગીત પર નૃત્ય કરવામાં આવ્યુ. ‘પદ્માવત’ ફિલ્મને અમેરિકામાં પસંદ કરવામાં આવી રહી છે.   

અત્રે ઉલ્લેખનીય છે કે કરણીસેના અને રાજપૂત સંગઠનો દ્વારા ‘પદ્માવત’ ફિલ્મનો વિરોધ કરાયા બાદ આ ફિલ્મ ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં થિયેટર માલિકોએ રિલિઝ કરી નથી. જ્યારે મુંબઇના કેટલાક થિયેટર્સમાં આ ફિલ્મ રિલિઝ થતાં ગુજરાતના કેટલાક ફિલ્મ રસિકો આ ફિલ્મ જોવા મુંબઇ જઇ રહ્યાં છે. ગુજરાત આ ફિલ્મ જ્યારે પણ રિલિઝ થાય ત્યારે થિયેટર્સને સુરક્ષા આપવામાં આવે તે અંગે ગુજરાત હાઇકોર્ટમાં તાજેતરમાં અપીલ પણ દાખલ કરવામાં આવી છે.