ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ ): અમેરિકન સરકારનો તાજો નેચરલ ગેસ સ્ટોરેજ ડેટા ભરપૂર તેજી પ્રેરિત છે, પણ આગામી દિવસોમાં ઉનાળાની ગરમી બાબતે શંકાઓને લીધે મંદિવાળા બજારમાં પાછા ફરવાનો એકાદ પ્રયાસ કરે તેવું, ભાવની વધઘટ પરથી કહી શકાય છે. રોકડો (ફ્રન્ટ-મંથ) નાયમેક્સ સપ્ટેમ્બર વાયદો શુક્રવારે ૪.૧૪ અને ૪.૧૬ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ સાંકડી વધઘટે અથડાઇ ગયો હતો.

ગુરુવારે એક તબક્કે ભાવ ૪.૨૦ ડોલરની, ડિસેમ્બર ૨૦૧૮ની ઊંચાઈએ આંબી ગયા હતા. યુએસ ઈએઆઈ (એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન)ના ગેસ સ્ટોરેજ ડેટા ગુરુવારે આવી ગયા, પછી હવે લાગી રહ્યું છે બજારમાં તેજીના સારા સમાચારનું પ્રીમિયમ ભાવમાં પ્રતિબિંબિત થઈ ગયું હતું, બજારનો આંતરપ્રવાહ હજુ તેજીમય છે. નેચરલ ગેસનો સાપ્તાહિક ચાર્ટ સૂચવે છે કે ભાવને ૪.૯૨ ડોલરના રેસીસ્ટ્ન્ટ લક્ષ્યાંક પાર કરવું છે, જે વર્તમાન ભાવથી ૧૭ ટકા વધુ છે.  

Advertisement


 

 

 

 

 

મોંઘા જાગતિક એનર્જી ભાવોએ વૈશ્વિક અર્થતંત્રો પર નકારાત્મક અસર સ્થાપિત કરી છે, એ જોતાં હવે સસ્તા નેચરલ ગેસ ભાવનો યુગ અસ્તાચળે છે. એનર્જી એનાલિસ્ટો કહે છે કે સતત પાંચ મહિનાથી વધી રહેલા ભાવ જોતાં, તેજીવાળાઓએ અહી થોડા સાવધ રહેવાની જરૂર છે.

ગુરુવારે અમેરિકન એનર્જી ઇન્ફોર્મેશન સર્વિસીસે ૩૦ જુલાઇએ પૂરા થયેલા સપ્તાહમાં યુએસ નેચરલ ગેસ સ્ટોરેજ ૨૭૨૭ બિલિયન ક્યુબિક ફૂટ (બીસીએફ) રહ્યાનું જણાવ્યું હતું. આનો અર્થ એ થાય કે ગત સપ્તાહે માત્ર ૧૩ અબજ ક્યુબિક ફૂટ સ્ટોરેજ વધ્યું હતું. અલબત્ત, એસ્ટીમાઈઝ સર્વેયરે બાંધેલા ૩૩ અબજ ક્યુબિક ફૂટ કરતાં નવા વાસ્તવિક આંકડા ક્યાંય ઓછા છે. ગતવર્ષના સમાન સપ્તાહની ગણતરીમાં આ આંકડો ૫૪૨ અબજ ક્યુબિક ફૂટ ઓછો છે. પણ પાંચ વર્ષની સરેરાશ કરતાં ૧૮૫ અબજ ક્યુબિક ફૂટ જ ઓછો છે. આમ જોવા જઈએ તો કૂલ ૨૭૨૭ અબજ કયુબીક ફૂટ સ્ટોરેજ એ ઐતિહાસિક રીતે પાંચ વર્ષની સરેરાશ રેન્જમાં છે.

અમેરિકા સ્થિત સ્પેકયુનોમિસ્ટ કૌશલ ઠાકર કહે છે કે અમેરિકન ઉનાળો પૂરો થવાને હવે ૬ સપ્તાહ બાકી છે, નેચરલ ગેસ જેને ટ્રેડરો નેટ્ટી તરીકે સંબોધે છે, તેના હાથ પરના સોદા ફેકી દેવા નહીં જોઈએ. આ વર્ષે આજ સુધીમાં નેટ્ટી ૬૫ ટકા (બાવન સપ્તાહમાં ૯૦ ટકા) વધ્યો છે, તેની સામે ક્રૂડ ઓઇલ ૪૦ ટકા અને ગેસોલીન (પેટ્રોલના) ભાવ ૬૦ ટકા વધ્યા છે. થોડા મહિના પહેલા જ કેટલાંક ટ્રેડરો જાણી ગયા હતા કે ક્રૂડ ઓઇલ અને ગેસોલિનને પાછળ રાખીને નેચરલ ગેસ, એનર્જી નફા (રિટર્ન) ટેબલમાં ઉચ્ચસ્થાન પ્રાપ્ત કરી લેશે.

Advertisement


 

 

 

 

 

મુંબઈ સ્થિત આરએસ એડવાઇઝરિસના રીતુ શાહ કહે છે કે અમેરિકન ઉનાળો ખતમ થવાના સમયે, ૨૨ સપ્ટેમ્બરથી હવામાનમાં બદલાવની કઇંક અસર નેચરલ ગેસમાં પણ જોવાશે. ઓકટોબર નવેમ્બરથી અમેરિકન શિયાળો વધુ ઠંડી મોસમ લાવતા રૂમ ગરમ રાખવા, હોટ જનરેટર માટેની માંગમાં મોટી વૃધ્ધિ થશે. કેટલાંક એનાલિસ્ટો તો ત્યાં સુધી કહે છે કે ઉનાળો પૂરો થવા અગાઉ વધુ ગરમીના દિવસોની આગાહી જોતાં, રોકડો ઓગસ્ટ વાયદો કટ થવા પહેલા ખેલાડીઓને આ વર્ષે ૭૫ ટકા જેટલું વળતર આપી શકે છે.

હવામાંની આગાહીકર્તાઓ કહે છે કે ૧૩ જુલાઇએ પૂરા થનાર સપ્તાહમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે, જે સંભવત: ૩૦ જુલાઇએ પૂરા થયેલા કુલિંગ ડિગ્રી ડે (સીડીડી) જેટલાં જ હશે. હવામાન આધારિત નેચરલ ગેસની માંગ, ટૂંકાગાળામાં સ્ટોરેજ સરેરાશ કરતાં ઓછા ઇન્જેકશન અને વર્તમાન સ્ટોરેજમાંથી સ્ટોક હળવો થવા જેવા કારણો તરફ રોકાણકારે ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)