મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: કથાકાર મોરારી બાપુનાં રેશનીંગ કાર્ડનો ખોટી થમ્પ પ્રિંટથી દૂરપયોગ કરી અનાજનાં માફિયાઓ અને કાળા બજારિયાઓ ગરીબોનું અનાજ અને કેરોસીન ખુલ્લાં બજારમાં મોંઘાં ભાવે વેચાણ કરવામાં આવતું હોવાનો ગુજરાત વિધાનસભામાં આક્ષેપ થતાં ગ્રુહમાં ભારે હોબાળો મચી ગયો હતો. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય આંનદ ચૌધરી અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્યમાં આ પ્રકારે એક લાખ જેટલા રેશનીંગ કાર્ડમાં અનાજનાં માફિયાઓ દ્વારા ગરીબોનું અનાજ પગ કરી જતું હોવાનાં આક્ષેપથી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળનાં સભ્યો અને ભાજપના ધારાસભ્યોએ હિન્દુ સમાજનાં સંતોનું અપમાન કરવામાં આવતું હોવાનો હોબાળો મચાવ્યો હતો. જેમાં પુરાવા આપવા અથવા માફી માગવાનું જણાવતાં કોંગ્રેસનાં ધારાસભ્યોએ પણ હોબાળો મચાવતા ૧૫ મિનિટ સુધી ધાંધલ ધમાલ મચાવી દીધી હતી.

ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી દરમિયાન નાદોદના ધારાસભ્ય પ્રેમસિંહ વસાવાએ કેરોસીન અને અનાજના કાળાબજારનાં કરાયેલાં કેસો અંગે પ્રશ્ન પૂછયો હતો. તેમાં પૂરક પ્રશ્ન પૂછતાં કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરીએ કહ્યું કે, મોરારીબાપુ સહિત ઘણાં લોકોનાં રેશનીંગ કાર્ડમાં ખોટી થમ્પ પ્રિંટથી દૂરપયોગ કરી અનાજનાં માફિયાઓ અને કાળા બજારિયાઓ ગરીબોનું અનાજ અને કેરોસીન ખુલ્લાં બજારમાં મોંઘાં ભાવે વેચી મારવામાં આવે છે. આ વખતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઊભા થઈ ધારાસભ્યને સ્પષ્ટતા કરવાનું કહી હિન્દુ સમાજનાં સંતોનું અપમાન કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે વિપક્ષનાં નેતા પરેશ ધાનાણી અને ઉપનેતા શૈલેષ પરમાર સહિત કોંગ્રેસી ધારાસભ્યોએ પણ સામો હોબાળો મચાવ્યો હતો. જેમાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, આ પ્રકારે એક લાખ જેટલા રેશનીંગ કાર્ડમાં અનાજનાં માફિયાઓ દ્વારા ગરીબોનું અનાજ પગ કરી જાય છે. આ બાબતે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પુરાવો આપવાનું જણાવી મામલો થાળે પાડયો હતો. જો કે, અધ્યક્ષએ મોરારી બાપુ સામેના શબ્દો દુર કર્યા હતા.