મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારથી બહાર થયા બાદ હવે તેલુગુ દેશમ પાર્ટીએ ભાજપના નેતૃત્વની એનડીએ ગઠબંધનથી બહાર નિકળી જવાનો નિર્ણય કર્યો ચે. ટીડીપીની તરફથી તેની ઔપચારીક જાહેરાત થઈ ગઈ છે. માત્ર એટલું જ નહીં પાર્ટીએ આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જાના મુદ્દા પર વાઈએસઆર કોંગ્રેસ પછી ખુદ પણ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની નોટિસ આપી છે. તે પહેલા ટીડીપીએ વાઈએસઆરના અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરવાનું એલાન કર્યું હતું. ટીડીપીના આ પ્રસ્તાવને કોંગ્રેસ અને એઆઈડીએમકેએ પણ પોતાનું સમર્થન આપ્યું છે. સાથે જ અન્ય પાર્ટીઓના પણ સમર્થન છે.

ટીડીપીનો આ નિર્ણય ત્યારે આવ્યો છે જ્યારે લોકસભા ચૂંટણીને એક વર્ષની જ વાર છે. નોંધનીય છે કે, આ વિશે ટીડીપીના બે મંત્રીઓએ ગયા સપ્તાહે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે. ટીડીપી સાંસદ થોટા નરસિંહ્માને આ વાતનો ખુલાસો કરતા કહ્યું છે કે, પાર્ટી સરકાર વિરુદ્ધ સોમવારે સાંસદમાં અલગથી એક પ્રસ્તાવ મુકશે. તે પહેલાં વાયએસઆર કોંગ્રેસ પણ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવાની વાત કહી ચૂક્યુ છે. ઉલ્લેખનીય છે કે, આ મુદ્દાને લઈને અગાઉ ટીડીપી કોટના મંત્રીઓએ કેન્દ્ર સરકારને રાજીનામા સોંપી દીધા હતા. બીજેપી કોટાના મંત્રીઓએ આંધ્રપ્રદેશ સરકારમાંથી પોતાના રાજીનામા આપી દીધા હતા. ચંદ્રબાબૂ નાયડૂએ ગુરુવાર સાંજે પોતાના સાંસદોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કહી હતી. થોડી વારમાં ચંદ્રબાબૂ નાયડૂ બીજેપી અધ્યક્ષ અમિત શાહને ઈ-મેલ અને ફેક્સ દ્વારા આ વાતની ઓફિશિયલ જાણકારી આપશે.

નિયમો પ્રમાણે, સૌપ્રથમ લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન વાઈએસઆર કોંગ્રેસના કોઈ સાંસદને અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવા કહેશે. ત્યારબાદ લગભગ 50 સાંસદોને તેનું સમર્થન કરવા ઊભું થવું પડશે, ત્યારે જ તેની આગળની પ્રક્રિયા શરૂ થશે, પરંતુ આ પ્રસ્તાવ ત્યારે જ રજૂ થઈ શકે છે જ્યારે ગૃહ ઓર્ડરમાં હોય, જો કોઈ સાંસદ આ દરમિયાન હોબાળો કરી રહ્યા હોય તો પ્રસ્તાવ રજૂ કરવામાં મુશ્કેલી થઈ શકે છે. NDA અને TDP અલગ થતા મોદી સરકારને કોઈ જોખમ નથી કારણકે તેમની પાસે બીજેપીના 273 સાસંદ છે. જેમના દમ પર બીજેપી એકલી જ સરકાર બનાવી શકે તેમ છે. અત્યારે બીજેપી પાસે બહુમત કરતા એક સીટ વધારે છે. લોકસભામાં બીજેપીના 273 સાંસદો છે. કોંગ્રેસના 48, AIADMKના 37, તૃણમુલ કોંગ્રેસના 34, બીજેડીના 20, શિવસેનાના 18, ટીડીપીના 16, ટીઆરએસના 11, સીપીઆઈના 9, વાયએસઆર કોંગ્રેસના 9, સમાજવાદી પાર્ટીના 7 અને તે સિવાય 26 અન્ય પાર્ટીઓના 58 સાંસદ છે, 5 સીટ હજુ પણ ખાલી છે.