મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં સોનાના દોરાની ચીલઝડપના વ્યાપક પ્રમાણમાં બની રહેલા બનાવો અટકાવવા સાથે મહિલાઓની સુરક્ષા સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા ચેઈન સ્નેચિંગ કરનારને ૫ થી ૧૦ વર્ષ સુધીની સખત કેદની સજા તેમજ રૂપિયા ૨૫ હજારનો દંડ કરવામાં આવશે. રાજ્ય સરકારે આ બાબતે વટહુકમ બહાર પાડવા કરેલા નિર્ણય અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરતા જણાવ્યું છે કે, આ ચીલ ઝડપમાં આરોપી કોઈનું મૃત્યુ કે ઈજા કરે અથવા ભય પેદા કરે તો પણ ૩ થી ૭ વર્ષની સખત કેદની સજા થશે.

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે જણાવ્યું છે કે, મહિલાની સુરક્ષા માટે સરકાર દ્વારા  મંગળસૂત્ર, ચેઈન અને કિંમતી ઘરેણા જેવી સ્નેચિંગની ઘટનાને અંકુશમાં લેવા આઈપીસીની નવી કલમો ઉમેરીને કડક સજાની જોગવાઈનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકાર વટહુકમ બહાર પાડીને મહિલાઓને વધુ સુરક્ષા પુરી પાડશે. તેમણે જણાવ્યું છે કે, મંદિર પરિસર, બેંક આસપાસ, શોપિંગ મોલ તેમજ ભીડવાળી વિસ્તારો કે જાહેર માર્ગો પર પસાર થતી મહિલાઓ કે વ્યક્તિઓ પાસેથી ચેઈન, પર્સ કે અન્ય કિંમતી વસ્તુ ઝૂંટવી ચોર નાસી છૂટતા હોય છે. આથી  રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી લઈને વટહુકમ લાવવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં અત્યારે આઈપીસીની કલમ અંતર્ગત ચોરીના ગુનામાં ૩ વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. હવે આ સજામાં વધારો થવાની ચેઈન સ્નેચિંગના ગુનામાં ઘટાડો થવા સાથે જાનમાલનું રક્ષણ થશે એમ તેમણે જણાવ્યું છે. કારણ કે, ચીલ ઝડપ કરનારને ઓછામાં ઓછી પાંચ વર્ષ અને વધુમાં વધુ ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા ૨૫ હજારનો દંડ કરવામાં આવશે. આ વટહુકમ ધ્વારા ચેઈન સહિતની વસ્તુ ચોરનારને ૭ વર્ષની જેલ અને રૂપિયા ૨૫ હજારનો દંડ થશે. જેમાં ૩૭૯(ક) ૪ હેઠળ ચેઈન સ્નેચિંગનો પ્રયાસથી સામેવાળી વ્યક્તિને ઈજા કે ઈજાનો ભય પેદા કરવામાં આવે તો વધુ ૩ વર્ષની સખત કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે. જયારે સ્નેચિંગથી પીડિતનું મૃત્યુ થાય કે અવરોધ ઊભો કરીને મોત કે ઈજા પહોંચાડે તો સાત વર્ષથી લઈને દસ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા ૨૫ હજારનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.