મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લામાં પોલીસતંત્રની નિષ્ફળ કામગીરીથી જીલ્લામાં ચેઇનસ્નેચરોનો આતંક અને હિંમત વધી હોય તેમ બેફામ બની રહેણાંક વિસ્તારોમાંથી પસાર થતા રોડ પર મહિલાઓ અસલામત હોય તેવી ઘટના બની હતી. મહિલાઓના અછોડા તોડાય છે પરંતુ પાછા કેટલી મહિલાઓને પોલીસ અપાવી શકી તેમ પુછો તો મોટી સંખ્યામાં મહિલાઓનો જવાબ 'નથી મળી શક્યો' તેવો જ હોય છે. મોડાસાના માલપુર રોડ પર આવેલી કેનરા બેંકની સામે આવેલા ડીપી રોડ પરથી પસાર થતા દંપતી પર પલ્સર બાઈક સાથે બે ચેઇનસ્નેચરે ત્રાટકી અછોડા તોડી ફરાર થતા મહિલાઓ હવે રહેણાંક વિસ્તારોમાં પણ સુરક્ષિત ન રહેતા મહિલાઓમાં ફફડાટ ફેલાયો છે.

ગુજરાત રાજ્યમાં સોનાના દોરાની ચીલઝડપના વ્યાપક પ્રમાણમાં બની રહેલા બનાવો અટકાવવા સાથે મહિલાઓની સુરક્ષા સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા ચેઈન સ્નેચિંગ કરનારને ૫ થી ૧૦ વર્ષ સુધીની સખત કેદની સજા તેમજ રૂપિયા ૨૫ હજારનો દંડ કરવામાં સાથે રાજ્ય સરકારે આ બાબતે વટહુકમ બહાર પાડવા કરેલા નિર્ણય અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ થોડા સમય અગાઉ જણાવ્યું હતું. કાયદાની જોગવાઈ મોટા ઉપાડે થાય છે, પણ અમલવારી કરાવવા અરવલ્લી જીલ્લ્લા પોલીસતંત્ર ઉણું ઉતારતા ચેઇનસ્નેચરો માટે ખુલ્લું મેદાન હોય તેમ ચેઈનસ્નેચીંગ કરી સમડીની માફક ઉડી જતા હોવાથી જીલ્લાના પ્રજાજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

અરવલ્લી જીલ્લામાં ચેઇનસ્નેચર અને પોલીસતંત્ર વચ્ચે સંતાકૂકડી રમાતી હોય તેવો ઘાટ સર્જાયો છે. ચેઈનસ્નેચીંગની ઘટના જાહેર રસ્તાઓ, ભીડભાળ વળી જગ્યાઓ અને મંદિરની આજુબાજુ વધુ બનતી હોય છે ત્યારે ચેઇનસ્નેચરોની હિંમત વધતા અને પોલીસના અસ્તિત્વને ચેલેન્જ અપાતા હોય તેમ રહેણાંક સોસાયટીમાં ઘરમાં ત્રાટકી મહિલાનો અછોડો તોડી હવામાં ઓગળી જવાની મોડાસામાં ઘટના બનતા પોલીસતંત્રની નિષ્ક્રિય કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મોડાસાના માલપુર રોડ પરથી શ્રી રવિશંકર મહારાજ માર્ગ પરથી તેમના ગોકુલ સોસાયટીમાં આવેલા ઘર તરફ જતા દંપતી સામે સામેથી પલ્સર બાઈક પર આવેલા બે ચેઇનસ્નેચરો ત્રાટકી કુસુમબેન સંજયભાઈ અમીનના ગાળામાં રહેલા 2  તોલા સોનાનો અછોડો અને મંગળસૂત્ર કિં.રૂ.૪૫,૦૦૦/- નું લૂંટી ફરાર થઈ જતા મહિલાએ બેબાકળી બની બુમાબુમ કરતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. એક યુવકે પીછો કરવાનો પણ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો પરંતુ બંને ચેઇનસ્નેચર હવામાં ઓગળી જતા ચેઇનસ્નેચીંગની ઘટનાથી ભયનો માહોલ છવાયો હતો. ચેઈનસ્નેચીંગનો ભોગ બનેલ મહિલાએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પલ્સર બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્શો સામે ફરિયાદ નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ચેન સ્નેચર હવે મેટ્રો સિટીને છોડી નાના શહેરોમાં આવી પોલિસની છાવણી નીચે પોતાનો અડ્ડો જમાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. એક જ સપ્તાહમાં બીજી ચેઈનસ્નેચીંગ ઘટના નોધાતા વારંવાર મોડાસામાં ચેઇન સ્નેચરની ઘટનાઓને પોલિસ તંત્ર ધ્યાને ન લેતા મહિલાઓ પોતે અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે. મોડાસામાં પોલિસ તંત્રએ મોટાભાગનો સ્ટાફ એક તરફી દારૂના દૂષણને ડામવા અને ટ્રાફિક પર લગાવી દીધો છે. પોલીસતંત્ર ચાઇનસ્નેચરોના ઘૂંટણિયે પડી ગયું હોય તેવો અહેસાસ પ્રજાજનો અનુભવી રહ્યા છે.