મેરાન્યૂઝ નેટવર્ક, સુરત: ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ આજે રમાયેલી વેસ્ટ ઇન્ડિઝ સામેની વન ડે માં પોતાને નામ વધુ એક રેકોર્ડ નોંધાવ્યો છે. કોહલી વન ડે ઇન્ટરનેશનલમાં સૌથી ઓછી ઇનિંગ રમી 10 હજાર રન પૂર્ણ કરનાર બેટ્સમેન બન્યો છે. કોહલીએ સચિન તેંડુલકરનો 17 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. આ મેચ પહેલા વિરાટ કોહલીએ 212 મેચની 204 ઇનિંગમાં 9919 રન બનાવ્યા હતા અને આ રેકોર્ડ પર પહોંચવા માટે 81 રનની જરૂર હતી.

વેસ્ટ ઇન્ડિઝની વિરૂદ્ધ વિશાખાપટ્ટનમ મેચ દરમિયાન બુધવારે વિરાટ કોહલીએ 37મી ઓવરમાં એશ્લે નર્સની બોલિંગ દરમિયાન આ રેકોર્ડ હાંસલ કર્યો. કોહલીએ 205 ઇનિંગમાં 10 હજાર રન બનાવ્યા છે જ્યારે સચિન તેંડુલકરે 31 માર્ચ 2001ના રોજ 259 ઇનિંગમાં 10 હજાર રન બનાવ્યા હતા. આમ વિરાટ કોહલી સચિન તેંડુલકર કરતા 54 ઇનિંગ ઓછી રમ્યો છે અને આ રેકોર્ડ હાંસલ કર્યો છે.

સૌથી ઓછી ઇનિંગમાં 10 હજાર રન પૂર્ણ કરનાર બેટ્સમેન પણ ભારતનો જ ભૂતપૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલી છે જેણે 263 ઇનિંગમાં દસ હજાર રન બનાવ્યા હતા. ત્યાર બાદ ચોથા ક્રમે રીકી પોન્ટિંગ 266 ઇનિંગ, જેક કાલિસ 272 ઇનિંગ અને મહેન્દ્રસિંહ ધોની 273 ઇનિંગમાં દસ હજાર રન ફટકારી ચુક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વન ડે ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકર (18426 રન) ના નામે છે.