સુબ્હાન સૈયદ (મેરાન્યૂઝ.અમદાવાદ): દેશમાં કોરોનાના કેસ સાથેની ચિંતા વધી રહી છે, છતાં કોરોનાનો અંત ક્યારે આવશે તે કોઈ જાણતું નથી. આ કારણસર તકેદારી સાથે બધું જ રાબેતા મુજબ શરૂ થાય તેવું હવે સૌ કોઈ ઇચ્છી રહ્યા છે. તેને કેન્દ્ર તરફથી વધુ એક એવો નિર્ણય આવ્યો છે, જેમાં યુનિવર્સિટી અને અન્ય ઊચ્ચ શૈક્ષણિક સંસ્થાનોમાં અંતિમ વર્ષની પરીક્ષા લેવામાં આવે.

આ અંગે કેન્દ્ર સરકારના શિક્ષણ સચિવે પરીક્ષા અંગેની મંજૂરી માગી હતી અને ગૃહમંત્રાલયે તેને લીલી ઝંડી આપી દીધી છે. આ અગાઉ કેન્દ્ર સરકારના શિક્ષણ સચિવ દ્વારા યુનિવર્સિટીઓની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ નિર્ણય બદલાયો છે અને રાજ્યની યુનિવર્સિટીઓ સરકાર અને આરોગ્ય વિભાગના ગાઇડલાઈન મુજબ પરીક્ષા લઈ શકશે. આ અંગે કેન્દ્રીય શિક્ષણ વિભાગ થોડા દિવસમાં ગાઈડલાઈન જાહેર કરશે અને તે પછી જે-તે શૈક્ષણિક સંસ્થાન પોતાની સુવિધા અનુસાર પરીક્ષા લેશે.