એટલાન્ટા. અમેરિકા, દિવ્યકાંત ભટ્ટ: અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી ખાતે ‘ઇન્ટરનેશનલ વુમેન્સ ડે’ નિમિત્તે રવિવાર તા.3 માર્ચે મહિલાઓના સન્માનનો કાર્યક્રમ આયોજિત કરાયો છે. આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ નૃત્યકાર અને અભિનેત્રી મલ્લિકા સારાભાઇ ઉપસ્થિત રહી ગોકુલધામની વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સેવાભાવી મહિલાઓનું સન્માન કરશે.

પ્રતિ વર્ષ તા.8 માર્ચે વિશ્વભરમાં ‘ઇન્ટરનેશનલ વુમેન્સ ડે ’ ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં ‘ઇન્ટરનેશનલ વુમેન્સ ડે’ નિમિત્તેનો કાર્યક્રમ અઠવાડિયા અગાઉ રવિવાર તા.3 માર્ચે યોજવાનું નક્કી કરાયું છે.

ગોકુલધામના ચેરમેન અશોક પટેલ અને એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવાએ જણાવ્યું હતું કે, ગોકુલધામ હવેલીમાં વિવિધ પ્રવૃત્તિઓમાં મહિલાઓ-યુવતીઓ ગોપીભાવે જોડાઇને ઠાકોરજીની સેવામાં ઓતપ્રોત થઇ જાય છે. નિયમિત રીતે ગોકુલધામ ખાતે આવી નિ:સ્વાર્થભાવે સેવા કરતી મહિલાઓ-યુવતીઓએ ભક્તિની સાથે મહિલાઓની શક્તિનો પરિચય કરાવ્યો છે.

ગોકુલધામ ખાતે કીચન ટીમ, સજાવટ ટીમ, યમુના સખી, ફૂલ મંડળી, કલ્ચરલ ઇવેન્ટ્સ ગૃપ, યુથ ગૃપ, ગુજરાતી જીવન સાથી ગૃપ,પધરામણી ગૃપ, માળાજી ગૃપ, વિદ્યાલય ગૃપ અને સમર કેમ્પ ગૃપ કાર્યરત છે. આ વિવિધ ગૃપમાં કાર્યરત મહિલાઓ અને યુવતીઓએ તેમની કામગીરી થકી ગોકુલધામનું નામ રોશન કર્યું છે.

વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠ પીઠાધિશ્વર વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ સ્થપાયેલી ગોકુલધામ હવેલીની અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી મહિલાઓ-યુવતીઓનું ‘ઇન્ટરનેશનલ વુમેન્સ ડે’ નિમિત્તે સન્માન કરવાનો અનોખો કાર્યક્રમ રવિવાર તા.3 માર્ચે યોજાનાર છે. આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રસિદ્ધ નૃત્યકાર અને અભિનેત્રી મલ્લિકા સારાભાઇ ખાસ ઉપસ્થિત રહેશે. મલ્લિકા સારાભાઇ કાર્યક્રમનું ઉદઘાટન કરવા ઉપરાંત ગોકુલધામની વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી મહિલાઓ-યુવતીઓને સન્માનિત કરશે.