મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટ, ગોંડલ સહિત સમસ્થ સૌરાષ્ટ્રની ધરા આજે વહેલી સવારે ધ્રુજી ગઈ હતી. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપ લગભગ ત્રણથી ચાર સેકંડ સુધી અનુભવી શકાયો હતો. 4.8ની તિવ્રતા ધરાવતા આ ભૂકંપના આંચકાએ સવાર સવારમાં જ સમગ્ર સૌરાષ્ટ્રને ઘરની બહાર લાવી દીધું હોય તેવો માહોલ હતો. અહીં કેટલાક વીડિયો પણ દર્શાવ્યા છે. આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તે અહીં દર્શાવ્યા છે.

ગોંડલ, રાજકોટ, જસદણ તેમજ અમરેલી સહિત છેવાડાના ગામો સુધી ભૂકંપના કારણે ધરા ધ્રુજી હતી. વહેલી સવારે આવેલા ભૂકંપે 2001માં આવેલા ભૂકંપની યાદ તાજી કરાવી દીધી હતી. આજથી 19 વર્ષ પહેલા 26મી જાન્યુઆરી 2001ના રોજ બરાબર 8.45ના ટકોરે સમગ્ર દેશમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને આજે પણ વહેલી સવારે 8.38 કલાકે એક ચોક્કસ પ્રકારના ઘરેરાટીવાળા અવાજ સાથે ભૂકંપનો આચંકો અનુભવાયો હતો. જેથી લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં.

આ ઘટનાને પગલે મુખ્યમંત્રી વિજય રુપાણીએ આજે સવારે સૌરાષ્ટ્રના 4.8ના તિવ્ર ભૂકંપના આંચકા મામલે રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર સાથે ફોન પર વાતચિત કરી જાણકારી મેળવી હતી. તેમણે આ જિલ્લાઓના છેવાડાના ગામો સુધી પણ આ ભૂકંપના આંચકાઓ અનુભવાયાના કારણે જો કોઈ નુકસાન થયું હોત તો તેની ત્વરાએ વિગત મેળવી સત્વરે યોગ્ય કાર્યવાહીની સૂચનાઓ આપી હતી.