પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.વડોદરા): સરકારી તંત્ર કેટલું નિંભર હોય છે તેનો આ પુરાવો છે. એક તરફ કોરોના સામે ડોક્ટર સહિત તમામ સરકારી તંત્ર લડી રહ્યું છે. સમાન્ય માણસ પોતાની જીંદગી બચાવવા માટે સરકારી હોસ્પિટલમાં પહોંચે છે ત્યારે નિષ્ફળ ગયેલા ધમણ વેન્ટીલેટર હટાવી લેવામાં આવ્યા છે તેવા દાવા કરતી ગુજરાત સરકારની પોલ વડોદરાની સયાજી હોસ્પિટલમાં લાગેલી આગમાં ઉઘાડી પડી ગઈ છે.

ગુજરાતના સરકારી તબીબોએ ધમણ વેન્ટીલેટર નિષ્ફળ હોવાની ફરિયાદ કરતાં ધમણ વેન્ટીલેટર હટાવી લેવામાં આવ્યા છે તેવો સરકારે દાવો કર્યો હતો, પરંતુ સરકારી હોસ્પિટલ એવી સયાજી હોસ્પિટલમાં આગના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં આગની શરૂઆત ધમણ વેન્ટીલેટરથી જ થઈ હોવાનું સામે આવ્યું છે.


 

 

 

 

વડોદરાની સર સયાજીરાવ હોસ્પિટલમાં આવેલા આઈસીયુ વોર્ડમાં મંગળવારની સાંજે અચાનક આગ ફાટી નિકળી હતી. જોકે આગની ઘટના મીડિયામાં વ્યાપક સમાચાર ન બને તે માટે મંત્રીથી લઈ અધિકારીઓ સહિત તમામે આગ સામાન્ય હોવાનો દાવો કર્યો હતો, પરંતુ સીસીટીવી ફૂટેજમાં ત્રણ મહત્વની બાબત સામે આવી છે જેમાં આગની શરૂઆત ધમણ વેન્ટીલેટરથી થઈ હતી. બીજી બાબત આગ સામાન્ય ન્હોતી આગ વિકરાળ બની હતી, અને ત્રીજી સૌથી મહત્વની બાબત કે આગ લાગતા જ એસએસજી હોસ્પિટલના કોવીડ સ્ટાફે પોતાનો જીવ બચાવવા ભાગી જવાને બદલે પોતાનો જીવ જોખમમાં મુકી આઈસીયુમાં દાખલ તમામ દર્દીઓને પોતે સલામત ખસેડ્યા હતા.

વડોદરા ફાયર બ્રીગેડ હોસ્પિટલ પહોંચે તે પહેલા હોસ્પિટલના ડોક્ટર, નર્સ અને અન્ય સ્ટાફે એક પણ વ્યક્તિની જાનહાની થાય નહીં તેની પુરતી તકેદારી લઈ સલામ કરવાનું મન થાય તેવી કામગીરી કરી હતી, પરંતુ ધમણને કારણે આ અકસ્માત થયો છે તે છૂપાવવાનો તંત્રએ ભરપૂર પ્રયાસ કર્યો. આ ઘટનાની તપાસ માટે બુધવારના રોજ ફોરેન્સીક અધિકારીઓએ બુધવારે આઈસીયુ વોર્ડની મુલાકાત લઈ આગનું કારણ શોધવાની કામગીરી આરંભી છે. જુઓ વીડિયો