મેરાન્યૂઝ નેટવર્ક.ધનસુરાઃ ધનસુરા-અમદાવાદ રોડ પર આવેલ જીઈબી કચેરી નજીક હિટ એન્ડની રનની ઘટના બની હતી. જેમાં ધનસુરામાં કારખાનામાં નોકરી કરતો ચોકીદાર નોકરીએ જતી વખતે જોયા વગર રોડ ક્રોસ કરવા જતા આઈ-૨૦ કાર સાથે અડફેટે આવી જતાં ચોકીદારના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓને પગલે તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી કાર ચાલક રફુચક્કર થયો હતો. સમગ્ર ઘટનાક્રમ નજીકમાં રહેલી એક કંપનીના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આ સીસીટીવી ફૂટેજ અહીં અહેવાલના અંતમાં રજૂ કરાયા છે. હિટ એન્ડ રનની ઘટનાના પગલે ધનસુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ (પોસ્ટ મોર્ટમ) માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ભિલોડા તાલુકાના મુનાઈ ગામના અને ધનસુરામાં પરિવાર સાથે રહેતા બળવંતસિંહ પરમાર કારખાનામાં ચોકીદાર તરીકે નોકરી કરી જીવનનિર્વાહ ચલાવતા હતા. બુધવારે સાંજના સુમારે જીઈબી કચેરી પાસે રોડ ક્રોસ કરવા જતા ધનસુરા તરફથી આવતી આઈ-૨૦ કારના ચાલકના બેધ્યાન પણામાં બળવંતસિંહ જ્યારે બેધ્યાન પણામાં રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ટક્કર મારતા ઉછળીને તે રોડ પર પટકાયા હતા. શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી કારચાલક કાર લઈ નાસી છૂટ્યો હતો. કારની અડફેટે ચોકીદારનું મોત નિપજતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા. હિટ એન્ડ રનની ઘટનાના પગલે ધનસુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ધનસુરા સરકારી દવાખાને ખસેડી અકસ્માતના પગલે સર્જાયેલ ટ્રાફિકજામ પૂર્વરત કરાવ્યો હતો. ધનસુરા પોલીસે રાજેન્દ્રસિંહ બળવંતસિંહ પરમારની ફરિયાદના આધારે અજાણ્યા આઈ-૨૦ કાર ચાલક વિરુદ્ધ અક્સમાતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.