મેરાન્યૂઝ નેટવર્ક.બેંગલુરુઃ સીસીડી (કેફે કોફી ડે)ના સંસ્થાપક અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસએમ કૃષ્ણાના જમાઈ વી જી સિદ્ધાર્થ ગત રોજથી જ ગુમ છે જેમને શોધવાના તમામ પ્રયાસો બાદ પણ તેઓ મળી આવ્યા નથી. સિદ્ધાર્થ જે સ્થિતિમાં ગુમ થયા છે તે સહુ માટે ચોંકાવનારું છે. તેમના પરિવાર મુજબ તેઓ સોમવારે સાંજથી જ મળી આવી રહ્યા નથી. તેમનો ફોન બંધ છે, મિત્રોને કોઈ જાણ નથી. ઉપરાંત તેમનો એક પત્ર મળ્યો છે જે પરિવારજનોના મનમાં એક ભય ઊભો કરનારો છે.

તેમણે પત્રમાં લખ્યું છે કે,

બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ અને કોફી ડે પરિવાર,

અથાક પરિશ્રમ બાદ સીધી રીતે 30000 નોકરીઓ અને 20,000 રોજગારી સર્જવા છતાં આપણા ધંધાને નફાકારક બનાવવામાં હું નિષ્ફળ ગયો છું. હું મારૂ સર્વસ્વ ત્યજી રહ્યો છું. આપ સૌને નીચું જોવું પડે તેવી સ્થિતીમાં મૂકવા બદલ દુઃખી છું. મેં લાંબી લડાઈ લડી તેમ છતાં ખાનગી ભાગીદારો અને લેણદારોનું દબાણ જીરવી શક્યો નહીં. 6 મહિના પહેલાં મેં મિત્ર પાસેથી ખૂબ મોટી રકમ ઉધાર લીધી હતી. ઇનકમટેક્સના પૂર્વ ડીજીએ મને ખૂબ હેરાન કર્યો હતો. આપણે ફેરરિટર્ન સબમીટ કર્યું હોવા છતાં તેમના દ્વારા આપણો સોદો પાછો ઠેલવવામાં આવ્યો હતો. આ આઘાતના કારણે આપણને ખૂબ જ મોટો ફટકો પડ્યો હતો.

હું આપ સૌને અપીલ કરી રહ્યો છું કે તમે મક્કમ રહેજો અને નવા મેનેજમેન્ટ સાથે આ ધંધો આગળ ધપાવજો. તમામ નાણાકીય વ્યવહારો અને ભૂલો માટે માત્ર હું જ જવાબદાર છું. મારી ટીમ, મારા ઓડિટોર, સિનિયર મેનેજમેન્ટ મારા વ્યવહારોથી અજાણ છે. કાયદો તેમને સાણસામાં લે તેવું હું ઇચ્છતો નથી. આ અંગે મેં તેમને કોઈ પણ જાણ કરી નથી. મારા પરિવારને પણ આના વિશે જાણ નથી. મારો ઇરાદો કોઈને છેતરવાનો નહોતો. ઉદ્યોગકાર તરીકે હું નિષ્ફળ ગયો છું. આ મારૂ પ્રમાણિક કબૂલાતનામું છે. આશા રાખું છું એક દિવસ તમે સમજી શકશો અને મને માફ કરશો. મેં આપણી મિલકત અને તેના અંદાજે ભાવનું એક લિસ્ટ આ પત્ર સાથે બિડાણમાં મુક્યું છે. આપણી મિલકત અને દેવાના આધારે પૈસા ચુકવવામાં તમને મદદ મળશે.