મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ કેનરા બેંક સાથે રૂ.૧૨૧ કરોડની છેતરપિંડી કરનાર સુર્યા એક્ઝીમ અને તેના ડિરેકટરો તેમજ જાહેર સેવકો વિરૂધ્ધ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન દ્વારા ફરિયાદ નોંધી સુરત સહિત નવસારી ખાતે આરોપીઓના નિવાસ સ્થાને તેમજ ધંધાકીય સ્થળો પર સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી છે. સીબીઆઇએ નોંધેલી ફરિયાદમાં સને ૨૦૧૭થી ૨૦૧૯ના સમયગાળામાં સુર્યા એક્ઝીમ લિમિટેડ દ્વારા બેંક સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ઉલ્લેખ છે. સુર્યા એક્ઝીમના ડિરેક્ટર્સ મળી ચાર લોકોએ બેંક પાસેથી ક્રેડીટ ફેસિલીટી પણ લીધી હતી. સુર્યા એક્ઝીમ રિંગરોડ ટેક્ષટાઇલ માર્કેટમાં યાર્ન, પોલિયેસ્ટર તેમજ પોલિમર સહિતના યાર્નનું ટ્રેડિંગ કરે છે.
કેનરા બેંક સાથે રૂ.૧૨૧.૦૫ કરોડની છેતરપિંડી બદલ સુર્યા એક્ઝીમ લિમિટેડ અને તેના ડિરેક્ટરો વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૭ થી ૨૦૧૯ના સમયગાળા દરમિયાન કેનરા બેંક સાથે ફ્રોડ કર્યું હતું. સીબીઆઇની ટીમે સુરત અને નવસારીમાં આ કેસ સંબંધીત પાંચ ઠેકાણાઓ પર સર્ચની કામગીરી હાથ ધરી છે. કેનરા બેંક સહિત ચાર બેંકોએ સુરતની સુર્યા એક્ઝીમને વર્ષ ૨૦૧૭માં રૂ.૧૨૧.૦૫ કરોડની કેશ ક્રેડીટ (વર્કિંગ કેપીટલ) ધિરાણ પેટે આપી હતી. આ રકમ સુર્યા એક્ઝીમ દ્વારા ખાનગી બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
જે ખરેખર કાયદાની વિરૂધ્ધ હતું. ખાનગી બેંકે તે માટે એનઓસી લેવું પડે છે. પરંતુ તે લેવાયું ન હતું. દરમિયાન ચાર બેંકો દ્વારા જે ધિરાણ અપાયું હતું તેમાં પરત ચુકવણું નહીં થતા ચારેય બેંકોમાં એનપીએ (નોન પ્રોફેટિંગ એસેટ) થયા. જેના લીધે ચારેય બેંકો મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી. ચાર પૈકી એક બેંક કેનેરા બેંકના મેનેજીંગ ડિરેક્ટરે સીબીઆઇને પ્રાઇવેટ કંપની સુર્યા એક્ઝીમ લિ.તથા તેના ડિરેક્ટરો વિરૂધ્ધ ચિટીંગની ફરિયાદ આપતા સીબીઆઇ દ્વારા સુર્યા એક્ઝીમના ડિરેક્ટરોના નિવાસ્થાન ઉપર તથા સુરત, નવસારી અને ગુજરાતના અન્ય ધંધાકીય સ્થળો પર દરોડા કાર્યવાહી કરી શંકાસ્પદ દસ્તાવેજો કબ્જે લેવામાં આવ્યા છે.