પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતના વિવિધ શહેરોમાં ટ્યૂશન ક્લાસ ચલાવી નવ વિદ્યાર્થિનીઓને ફસાવનાર લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીને સીબીઆઈ અને દિલ્હી પોલીસે સંયુક્ત રીતે હાથ ધરેલા ઓપરેશનમાં હિમાચલથી ઝડપી લીધા બાદ સોમવારની સાંજે સીબીઆઈની ટીમ ધવલ ત્રિવેદીને દિલ્હીથી ગાંધીનગર લઈ આવી છે. જેને બુધવારના રોજ સીબીઆઈ કોર્ટમાં રજુ કરવામાં આવશે.

નવ વિદ્યાર્થિનીઓને ફસાવનાર ધવલ ત્રિવેદી સામે ચોટીલાની વિદ્યાર્થિનીને ભગાડી જવાનો ગુનો નોંધાયા પછી ગુજરાત પોલીસ ધવલ ત્રિવેદીને શોધવામાં નિષ્ફળ જતાં આ મામલો ગુજરાત હાઈકોર્ટે સીબીઆઈને સોંપ્યો હતો. બે દિવસ પહેલા સીબીઆઈની માહિતીને આધારે દિલ્હી પોલીસે હિમાચલમાંથી ધવલ ત્રિવેદીને ઝડપી લીધો હતો. ધવલ ત્રિવેદીને દિલ્હી પોલીસ હિમાચલથી દિલ્હી લાવ્યા બાદ સીબીઆઈને તેનો કબ્જો સોંપ્યો હતો. સીબીઆઈએ દિલ્હીની કોર્ટમાં રજૂ કરી તેના 72 કલાકના ટ્રાન્ઝિક્ટ રિમાન્ડની માગ કરતાં. કોર્ટે 72 કલાકના ટ્રાન્ઝિક્ટ રિમાન્ડ આપ્યા હતા.

કોર્ટના આદેશ પર સીબીઆઈની ટીમ સોમવારની સાંજે ધવલને લઈ ગાંધીનગર પહોંચી છે. તેની પુછપરછ બાદ બુધવારે તેને સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.